મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પ્રાદેશિક ભાષાને મહત્વ આપવામાં આવે છે તેમ હવે ગુજરાતમાં તમામ સરકારી અને ખાનગી સ્થળોએ અંગ્રેજી અને હિન્દીની સાથે ગુજરાતી લખવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.
આદેશમાં જણાવવામાં આવ્યું છે કે કોઇપણ સાઇનબોર્ડ, સંસ્થા, બેન્ક, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, દુકાન કે મોલના નામમાં ગુજરાતી લખવાનું રહેશે. રાજ્યના સાંસ્કૃતિક વિભાગે તેના આદેશમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યની રચના થયા પછી સરકારે પ્રથમ અધિનિયમ રાજભાષા અંગે પસાર કરીને રાજભાષા ગુજરાતી અને દેવનાગરી લિપિમાં હિન્દી રાખવાનું જાહેર કર્યું હતું
તે પ્રમાણે તબક્કાવાર કાર્યક્રમ નક્કી કરી ગુજરાતી ભાષાનો ઉપયોગ દિન પ્રતિદિન વધતો રહે તે જોવામાં આવ્યું છે. તદનુસાર 1લી મે 1965થી સચિવાલયના સર્વે વિભાગો તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાએથી ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.














