પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાના બિલિયોનેર જેર્ડ આઇઝેકમેને જાહેર કરેલા નવા સ્પેસ મિશનના એક ક્રૂ મેમ્બર તરીકે સ્પેસએક્સના એન્જિનિયર અન્ના મેનનની પસંદગી કરાઈ છે. મેનન ઇલોન મસ્કની રોકેટ કંપની સ્પેસએક્સમાં લીડ સ્પેસ ઓપરેશન્સ એન્જિનિયર છે. બીજી તરફ અન્ના મેનનના ઈન્ડિયન અમેરિકન પતિ અનિલ મેનન નાસાના ભાવિ સ્પેસ મિશનનો હિસ્સો બનશે.

અન્ના મેનન ક્રૂ ઓપરેશનના સંચાલનની જવાબદારી સંભાળે છે. તેઓ એક મિશન સ્પેશ્યાલિસ્ટ અને મેડિકલ ઓફિસર છે. સ્પેક્સએક્સમાં જોડાયા પહેલા અન્ના મેનન નાસામાં હતા. તેમણે નાસામાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે સાત વર્ષ સુધી બાયોમેડિકલ ફ્લાઇટ કંટ્રોલર તરીકે કામગીરી કરી હતી. મેનની જે મિશન માટે પસંદગી થઈ છે તેનું નામ પોલારિસ ડોન છે.

અન્ના મેનને ડ્રેગન નામના અવકાશયાનના ક્રૂ કેપેબિલિટીનો અમલ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને ક્રુ કમ્યુનિકેટર ઓપરેટર રોલ સ્થાપિત કરવામાં મદદ કરી છે. તેમણે કેબિન ડિપ્રેસરાઇઝેશન જેવી વ્હિકલ ઇમર્જન્સી માટે ઓપરેશન રીસ્પોન્સની સિસ્ટમ વિકસિત કરી છે. અન્નાએ ક્રૂ અને કાર્ગો મિશનના સંખ્યાબંધ પ્રોજેક્ટ્સ દરમિયાન મિશન કંટ્રોલર તરીકે કામગીરી કરી છે. આવા મિશનમાં ડેમો-2, ક્રૂ-1, સીઆરએસ-22 અને સીઆરએસ 23નો સમાવેશ થાય છે.

અન્ના મેનને ભારતીય મૂળના ફિઝિશિયન અનિલ મેનન સાથે લગ્ન કર્યા છે. અનિલ મેનન  મલાયલી પિતા અને યુક્રેનની માતાના સંતાન છે. નાસાએ તેના ભાવિ મિશન માટે પસંદ કરેલા નવા 10 અવકાશયાત્રીઓમાં અનિલ મેનનો સમાવેશ કરવાની જાહેરાત થોડા સમય પહેલા કરી હતી.