કર્ણાટક સેંકડો મુસ્લિમ મહિલાઓ અને બીજા મુસ્લિમ સંગઠનોએ દવાનાગેરે શહેરમાં સોમવારે હિજાબની તરફેણમાં દેખાવો કર્યા હતા. (ANI Photo)

કર્ણાટક સરકારે મંગળવારે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે ભારતમાં સંસ્થાકીય શિસ્તને આધીન વાજબી નિયંત્રણો સાથે હિજાબ પહેરવા પર કોઇ પ્રતિબંધ નથી. સરકારે એવા આરોપનું પણ ખંડન કર્યું હતું કે હિજાબ પહેરવા દેવાનો ઇનકાર દરેક પ્રકારના ભેદભાવ પર પ્રતિબંધ મૂકતી બંધારણની કલમ 15નું ઉલ્લંઘન છે.

શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકતા સરકારના નિર્ણયને પડકારતી ઉડુપી જિલ્લાની મુસ્લિમ યુવતીઓ કરેલી પિટિશનનો વિરોધ કરતાં રાજ્યના એડવોકેટ જનરલ પ્રભુલિંગ નાવાદગીએ જણાવ્યું હતું કે હિજાબ પહેરવાનો હક બંધારણની કલમ 25 હેઠળ નહીં, પરંતુ 19(1)(A)ની કેટેગરી હેઠળ આવે છે. જો કોઇ હિજાબ પહેરવા માગે તો સંસ્થાકીય શિસ્તને આધીન રહીને તેના પર કોઇ નિયંત્રણો નથી. હાલના કેસમાં સંસ્થાકીય નિયંત્રણો માત્ર શિક્ષણ સંસ્થાઓ પૂરતા છે, તે બીજી કોઇ જગ્યાએ લાગુ પડતા નથી. ભારતના બંધારણમાં આર્ટિકલ 19(1)(A) અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હક આપે છે.

હાઇકોર્ટમાં પોતાની દલીલને પૂરી કરતાં તેમણે 1976ની હિન્દી મૂવી હમરાજનું ગીત ટાંકતા તેમણે જણાવ્યું હતું કે “ના મુંહ છુપા કે જિયો, ના સર ઝુકા કે જિયો, ગમો કા દૌર ભી આયે તો મુસ્કરા કે જિયો.”દરમિયાન હાઇકોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે કોર્ટ આ સપ્તાહે આ કેસનો ઉકેલ લાવવા માગે છે. કોર્ટે સંબંધિત તમામ પક્ષકારોના સહકારની પણ માગણી કરી હતી.