રશિયાના આક્રમણને પગલે યુક્રેનમાં ગુજરાતના આશરે 2,500 વિદ્યાર્થીઓ ફસાયા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ફસાયેલા વિદ્યાર્થીને સુરક્ષિત રીતે પરત લાવવા માટે કેન્દ્ર સરકારના સંપર્કમાં છે, એમ શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ શુક્રવારે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે હાલમાં યુક્રેનમાં ગુજરાતના આશરે 2,500 વિદ્યાર્થી છે. ભારત સરકાર શરૂઆતથી તેના તમામ નાગરિકો માટે ચિંતિત છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રધાન એસ જયશંકર અને વડાપ્રધાન કાર્યાલયના સંપર્કમાં છે, જેથી યુક્રેનના વિવિધ વિસ્તારોમાં રહેલા ગુજરાતીઓ અને ભારતના બીજા નાગરિકોને સુરક્ષિત રીતે ભારતમાં પરત લાવી શકાય. મુખ્ય પ્રધાનની સૂચનાને પગલે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે ગુરુવારે વિદેશ સચિવ સાથે વાતચીત કરી હતી અને રાજ્ય સરકારે યુક્રેનની તાજેતરની ગતિવિધિ અંગે ગાઇડન્સ અને માહિતી આપવા માટે કંટ્રોલ રૂમ ઊભો કર્યો છે.
પ્રધાને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપરાંત ગુજરાતમાં રહેતા લોકો કોઇપણ માહિતી કે મદદ માટે 079-23251900 ડાયલ કરી શકે છે. યુક્રેનમાં ફસાયેલા લોકોને ભારતની એમ્બેસીનો સંપર્ક કરવાનો અનુરોધ છે. મને વિશ્વાસ છે કે ભારત સરકાર ભૂતકાળની જેમ આ વખતે ભારતના લોકોને પરત લાવવાનો વિકલ્પ શોધી કાઢશે.
જોકે વિરોધ પક્ષ કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સરકાર નિષ્ક્રીય છે અને પૂર્વ યુરોપના દેશમાં ફસાયેલા ભારતના નાગરિકોને પરત લાવવામાં વિલંબ કરી રહી છે.