આફ્રિકન-અમેરિકન જ્યોર્જ ફ્લોઇડના નાગરિક અધિકારોનું ઉલ્લંઘન કરવા બદલ જ્યુરીએ તાજેતરમાં મિનેપોલિસના ત્રણ ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓને દોષિત ઠેરવ્યા છે. ફ્લોઇડની મે 2020માં થયેલી હત્યાના પગલે દેશમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા.
મિનેપોલિસના સિસ્ટર સિટી સેન્ટ પોલમાં એક મહિનાની ફેડરલ ટ્રાયલ પછી 36 વર્ષીય ટૌ થાઓ, 28 વર્ષીય જે. એલેક્ઝાન્ડર કુએંગ અને 38 વર્ષીય થોમસ લેનને ફ્લોઇડની તબીબી જરૂરિયાતોને ‘ઇરાદાપૂર્વક અવગણવા’ બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ચોથા અધિકારી ડેરેક ચૌવિન દ્વારા ફ્લોયડ સામે ‘ગેરવાજબી બળ’ કરતા રોકવામાં નિષ્ફળ રહેવા બદલ પણ થાઓ અને કુએંગને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હાથકડી પહેરેલા ફ્લોઇડના ગળા પર તે મૃત્યુ પામ્યો ત્યાં સુધી લગભગ 10 મિનિટ સુધી ઘૂંટણથી ચૌવિને તેને દબાવી રાખ્યો હતો, અને તેને ગત વર્ષે હત્યાનો દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તે 22 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે.
ફ્લોયડની ધરપકડ અને મૃત્યુની ઘટનાનો એક વીડિયો ખૂબ વાઇરલ થયો હતો, અને અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં વંશીય અન્યાય અને પોલીસની ક્રૂરતા સામે મહિનાઓ સુધી વિરોધ પ્રદર્શનો થયા હતા.
જ્યૂરીના આઠ મહિલા અને ચાર પુરૂષ સભ્યોએ ત્રણ ભૂતપૂર્વ અધિકારીઓને તેમની સામેના તમામ આરોપો માટે દોષિત ઠેરવતા પહેલા બે દિવસમાં 13 કલાક ચર્ચા કરી હતી.
————