અગાઉ ઓર્લેન્ડોના રહેવાસી 38 વર્ષીય નિકેશ અજય પટેલ પર ફેડરલ પ્રી-ટ્રાયલ રીલીઝ દરમિયાન 20 મિલિયન ડોલર જેટલી રકમની ઉચાપત કરવાનો આરોપો મુકવામાં આવ્યા છે, આ અંગેની જાહેરાત યુનાઇટેડ સ્ટે્ટ એટર્ની રોજર બી હેન્ડબર્ગે કરી હતી.
નિકેશ પટેલ પર વાયર ફ્રોડ અને મની લોન્ડરીંગ સંબંધિત જુદા જુદા ગુનાના આરોપ મુકવામાં આવ્યા છે. જો પટેલ આ કાવતરાના ગુનાઓમાં દોષિત ઠરશે તો તેને ફેડરલ જેલની વધુમાં વધુ 30 વર્ષની સજા અને મની લોન્ડરિંગની દરેક ગુના માટે ફેડરલ જેલમાં 20 વર્ષ સુધીની સજા થઇ શકે છે. તેની ટ્રાયલ આ વર્ષે એપ્રિલમાં હાથ ધરાશે.
કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સમાં જણાવ્યા અનુસાર, વર્ષ 2014માં સેન્ટ્રલ ફ્લોરિડાના રહેવાસી નિકેશ પટેલે પર યુએસ એટર્ની ઓફિસ ફોર ધ નોર્ધન ડિસ્ટ્રીક્ટ ઓફ ઇલિનોઇ દ્વારા 179 મિલિયન ડોલરની છેતરપિંડીની સ્કીમનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ કેસમાં તેની ધરપકડ થઇ હતી અને તે બોન્ડ પર મુક્ત થયો હતો.
આવનારા કેટલાંક વર્ષો સુધી પટેલે દાવો કર્યો હતો કે તે સત્તાધિશોને સહકાર આપી રહ્યા છે અને તેમનું દેવુ ચૂકવવા માટે ભંડોળ એકત્ર કરવા તેમની બિઝનેસની આવડતનો ઉપયોગ કરી રહ્યા છે. હકીકતમાં, પટેલે એક નવી યોજના બનાવી હતી જેનાથી તેને અંદાજે 20 મિલિયન ડોલરની આવક થઈ હતી.
પટેલે આ યોજનાને ત્રણ વખત અમલમાં મૂકીને લગભગ 20 મિલિયન ડોલર જેટલી આવક મેળવી હતી. પટેલે તે સ્કીમમાંથી મેળવેલ ભંડોળના એક ભાગનો ઉપયોગ તેની થોડી ભરપાઈ કરવામાં કર્યો હતો, પરંતુ તેણે મોટાભાગની બચત અમેરિકામાંથી ભાગી જવા માટે કરી હતી.
ઇલિનોઇના નોર્ધન ડિસ્ટ્રીક્ટમાં પટેલની સજા 9 જાન્યુઆરી, 2018 ના રોજ નક્કી કરવામાં આવી હતી. અને તેના ત્રણ દિવસ પહેલા, પટેલની કિસ્સિમ્મીના એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
પટેલે ઇક્વાડોર ભાગી જવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ કરી હતી, જ્યાં તે રાજકીય આશ્રિત તરીકેની વિનંતી કરવા જવાનો હતો અને તે તેનો તમામ ખર્ચ નવી સ્કીમમાંથી મેળવેલી આવકમાંથી કરતો હતો. અંતે તેની બોન્ડ પરની મુક્તિ રદ્ કરવામાં આવી હતી અને યુએસ માર્શલ્સ સર્વિસ તેને ઇલિનોઇના નોર્ધન ડિસ્ટ્રિક્ટ ખાતે લઇ ગઇ હતી. ત્યાં 6 માર્ચ, 2018 ના રોજ, પટેલને આ કેસમાં ફેડરલ જેલની 25 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
ફ્લોરિડાના મિડલ ડિસ્ટ્રિક્ટમાં પટેલ પરનો આરોપ કાવતરા અને છેતરપિંડી યોજના સાથે સંબંધિત છે, જે યોજના તેણે પ્રી ટ્રાયલ રીલીઝ દરમિયાન બનાવી હતી. આ આરોપ એ માત્ર ઔપચારિક છે. જ્યાં સુધી આરોપી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેમને નિર્દોષ માનવામાં આવે છે.