યુક્રેન પર આક્રમણના ત્રીજા દિવસે રશિયાના લશ્કરી દળોએ રાજધાની કીવ પર હુમલો કર્યો હતો અને શેરીયુદ્ધ ફાટી નીકળ્યું હતું. શહેરના અધિકારીઓએ લોકોને સુરક્ષિત જગ્યાએ આશ્રય લેવાનો અનુરોધ કર્યો હતો. બીજી તરફ યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીએ સુરક્ષિત રીતે બહાર કાઢવાની અમેરિકાની ઓફર ઠુકરાવી દીધી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષમાં સેંકડો લોકોના મોત થયા છે. અનેક બહુમાળી ઇમારતો, સ્કૂલો અને બ્રિજ જમીનદોસ્ત થયા છે. શ્રેણીબદ્ધ વિસ્ફોટ અને તોપમારા વચ્ચે કીવનું ભાવિ અનિશ્ચિત બન્યું છે. યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે સંખ્યાબંધ શહેરો પર હુમલા થયા છે. આ રાત્રે આપણે મક્કમ રહેવું પડશે. યુક્રેનનું ભાવિ નિર્ધારિત થઈ રહ્યું છે. યુક્રેની મંત્રણાની ઓફર રશિયાએ સ્વીકારી છે, પરંતુ ડિપ્લોમેટિક ઉકેલની જગ્યાએ ઘેરાયેલા ઝેલેન્સ્કીને પોતાની શરતો મનાવવાનું દબાણ હોય તેમ લાગે છે. રશિયાના લશ્કરી દળો આગળ વધી રહ્યાં છે અનને દક્ષિણ વિસ્તારના શહેર મેલિટોપોલ પર કબજો જમાવ્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે યુક્રેનનો કેટલાંક વિસ્તાર તેના અંકુશ હેઠળ છે અને રશિયાએ કેટલાં વિસ્તાર પર કબજો કર્યો છે તે અંગે અનિશ્ચિતતા છે.
યુક્રેનની મિલિટરીએ કીવથી 25 કિમી દૂર આવેલા વેસિલકીવ શહેર નજીક પેરાટ્રુપર્સને જઈ જતાં રશિયાના II-76 વિમાનને તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો હતો. આ વિમાનમાં કેટલાંક પેરાટ્રુપર્સ હતા તેની વિગત ઉપલબ્ધ નથી, પરંતુ ટ્રાન્સપોર્ટ વિમાનમાં સામાન્ય રીતે 125 પેરાટ્રુપર્સ હોય છે. અમેરિકાના બે અધિકારીઓના જણાવ્યા અનુસાર રશિયાના બીજા એક મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાનને બિલા ત્સેરક્વા શહેર નજીક તોડી પાડવામાં આવ્યુ હતું.
કિવમાં વહેલી સવાલે ધડાકા સંભળાવા લાગ્યા હતા. કેટલાંક વિસ્તારોમાંથી ગોળીબારના અવાજનો પણ સંભળાયા હતા. કીવના મધ્યમાં આવેલા મેદાનમાં પણ પ્રચંડ વિસ્ફોટ થયો હતો. કીવા મેયરે જણાવ્યું હતું કે કીવની બહાર આવેલા એક મોટા પાવર પ્લાન્ટ નજીક પાંચ ધડાકા થયા હતા. આ યુદ્ધમાં કેટલા લોકોના મોત થયા છે કે સ્પષ્ટ નથી, પરંતુ યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે સંપૂર્ણ લડાઇના પ્રથમ દિવસે ઓછામાં ઓછા 137 લોકોના મોત થયા હતા. તેમણે દાવો કર્યો હતો કે રશિયાના સેંકડો સૈનિકો માર્યા ગયા છે. જોકે રશિયાએ કોઇ સત્તાવાર આંક આપ્યો નથી. યુએન અધિકારીઓએ જણાવ્યું હતું કે હવાઇહુમલા અને તોપમારામાં 25 નાગરિકોના મોત થયા છે અને આશરે એક લાખ લોકો દેશમાંથી ભાગી ગયા છે.
અમેરિકાએ યુક્રેનને 35 કરોડ ડોલરની વધારાની સુરક્ષા સહાય આપી
અમેરિકાએ યુક્રેનને 35 કરોડ ડોલરની વધારાની સુરક્ષા સહાય આપી છે. યુક્રેનને કેટલી ઝડપથી આ સહાય મળશે તે સ્પષ્ટ નથી. પ્રેસિડન્ટ જો બાઇડનને શુક્રવારે મોડી રાત્રે આ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. આની સાથે છેલ્લાં એક વર્ષમાં યુક્રેન માટેની કુલ સુરક્ષા સહાય વધીને એક અબજ ડોલર થઈ છે. યુક્રેનને પ્રેસિડન્ટે ફોન પર બાઇડન સાથે વાતચીત કરી હતી તથા ડિફેન્સ સહાય તથા યુદ્ધ વિરોધી ગઠબંધનની ચર્ચા કરી હતી.
યુક્રેનને મંત્રણા અટકાવી હોવાનો રશિયાનો દાવો
યુક્રેનને પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીએ અગાઉ મંત્રણાની ઓફર કરી હતી. તેઓ યુક્રેન નાટોમાં નહીં જોડાય તેવી પુતિનની માગણી પર ચર્ચા કરવા તૈયાર થયા હતા. જોકે મંત્રણા થઈ ન હતી. ક્રેમલિને જણાવ્યું હતું કે યુક્રેનને મંત્રણા અટકાવી દીધી છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કીવ શનિવારે મંત્રણાના ભાવિ અંગે નિર્ણય કરશે.