યુક્રેનનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કી (Photo by Ronald Wittek - Pool/Getty Images)

યુક્રેનનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કી વિશ્વમાં અત્યાર સુધી સૌથી ઓછા જાણીતા વોરટાઇમ નેતા હતા, પરંતુ હવે તેઓ વિશ્વભરમાંથી પ્રસંશા મેળવી રહ્યાં છે. યહુદી પૂર્વભૂમિકા ધરાવતા ઝેલેન્સ્કીએ શરૂઆતમાં ટીવી કોમિકમાં અભિયન કર્યો હતો અને એક ટીવી પ્રોડક્શન કંપની બનાવી હતી. ઝેલેન્સ્કી શાંતી લાવવાના વચન સાથે આશરે ત્રણ વર્ષ પહેલા યુક્રેનના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા હતા. પરંતુ શુક્રવારે તેઓ રાજધાની કીવમાં યુદ્ધનો સામનો કરી રહ્યાં છે.

રશિયાના પ્રેસિડન્ટ પુતિન ઝેલેન્સ્કીને પૂર્વ યુક્રેનમાં નરસંહાર કરનારી ફાસિસ્ટ સરકારના અગ્રણી નેતા ગણાવે છે. પરંતુ પશ્ચિમ દેશો આ આક્ષેપોને પાયા વગરના માને છે અને જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ તેને હાસ્યસ્પદ ગણાવે છે. શુક્રવારે રશિયાના સૈનિકો રાજધાની કીવથી માત્ર 15 કિમી હતા ત્યારે ઝેલેન્સ્કી અને સ્વતંત્ર યુક્રેન માટે કસોટીનો સમય છે. પુતિન જાહેરાત કરી છે કે તેઓ ઝેલેન્સ્કીને પદભ્રષ્ટ કરવા માગે છે.

ઝેલેન્સ્કીએ શહેરમાં ગોરીલા યુદ્ધ માટે સામાન્ય નાગરિકોને તૈયાર કર્યા છે અને યુદ્ધ માટે હજારો સ્વયંસેવકો જોડાયાછે. યુક્રેનની રાજધાની કીવ એકલામાં આશરે 18,000 રાઇફલનું વિતરણ કરવામાં આવ્યું છે.ખાખી ટી-શર્ટમાં ઝેલેન્સ્કીએ એક વીડિયો મારફત દેશને સંબોધન કરતાં ચેતવણી આપી હતી કે તેમની હત્યાના ઇરાદા સાથે આક્રમણખોરો નજીક આવી રહ્યાં છે. દુશ્મનો મને ટાર્ગેટ નંબર વન ગણે છે, પરંતુ તેઓ યુક્રેનને પાયમાલ કરવા માગે છે. જોકે ઝેલેન્સ્કીએ જાહેરાત કરી હતી કે તેઓ રાજધાનીમાં જ રહેશે.

રશિયાના આક્રમણ સામે યુક્રેનના દળો લડાઈ લડી રહ્યાં છે. ઝેલેન્સ્કીએ તેમના ઉત્સાહનું પ્રતિબિંબ પાડતા જણાવ્યું હતું કે અમને કોઇનો ડર નથી. અમને રાષ્ટ્રની રક્ષા કરવામાં કોઇ ગભરાટ નથી. અમે રશિયાથી ડરતા નથી.
અગાઉના દિવસે 44 વર્ષીય ઝેલેન્સ્કીએ વિન્સ્ટન ચર્ચિલના જુસ્સાનો સંકેત આપ્યો હતો. ફરી ખાખી ટી-શર્ટમાં દેખાઇને તેમણે જણાવ્યું હતું કે આજે આપણને શું સંભળાય છે? તે માત્ર રોકેટના વિસ્ફોટ, લડાઈ કે વિમાનોની ગર્જના નથી. આ નવા લોખંડી પડદાના અવાજ છે અને તે સભ્ય વિશ્વમાંથી રશિયાના દ્વાર બંધ કરશે.

ઝેલેન્સ્કીએ 2019માં 73 ટકા મત સાથે ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. યુક્રેનના લોકોને 30 વર્ષથી ચાલુ રહેલા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે આ નવા રાજકીય નેતાને ચૂંટણી કાઢ્યા હતા. ઝેલેન્સ્કીએ તેમના કોમિક શોમાં શિક્ષણને ભૂમિકા ભજવી હતા અને આ શિક્ષક આખરે યુક્રેનના પ્રેસિડન્ટ બને છે. વાસ્તવમાં પણ યુક્રેનના પ્રેસિડન્ટ બનતી વખતે પણ શાંતિનું વચન આપ્યું હતું કે કારણ કે યુક્રેનના લોકો ડોનબાસ વિસ્તારમાં રશિયા સમર્થિત અલગતાવાદી જૂથો સાથેના પાંચ વર્ષના સંઘર્ષ પછી શાંતિ માટે અધીરા બન્યા હતા. તેમણે આ સંઘર્ષનો ઉકેલ લાવવા માટે ફ્રાન્સ અને જર્મનીના નેતાઓ તથા પુટિન સાથે મંત્રણા પણ કરી હતી.

આમ છતાં ગયા વર્ષે પુતિન સાથેના સંબંધો અને શાંતિની મંત્રણા તૂટી પડી હતી. ઝેલેન્સ્કીની ભ્રષ્ટાચાર વિરોધ પ્રતિષ્ઠા પણ ખરડાઈ હતી. ગયા વર્ષે જારી થયેલા કથિત પેન્ડોરા પેપર્સમાં ઝેલેન્સ્કી સાથે જોડાયેલી શેલ કંપનીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પેન્ડોરા પેપર્સમાં ઝેલેન્સ્કીની ટીવી કોમેડી કંપની સ્ટુડિયો ક્વાર્તલ-95ના ભાગીદારોના નામો પણ હતા. ઘણા લોકો માને છે કે ઝેલેન્સ્કી તેમના ટીવી દિવસો દરમિયાનના બિનઅનુભવી મિત્રોના સર્કલ પર વધુ પડતો આધાર રાખે છે. ડિસેમ્બરમાં થયેલા ચાર પોલ્સના સરેરાશ તારણ મુજબ તેની લોકપ્રિયતા પણ ઘટીને 25 ટકા થઈ હતી. જોકે હવે યુદ્ધના સમયે તેઓ દેશના સૌથી લોકપ્રિય નેતા બની રહ્યાં છે.