ભારતના પ્રવાસે ગયેલી સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમે બે ટેસ્ટની સીરીઝમાં પ્રભાવશાળી વિજય હાંસલ કર્યા પછી ત્રણ વન-ડેની સીરીઝમાં ભારતનો 2-1થી વિજય થયો હતો, તો પાંચ ટી-20 મેચની સીરીઝની ત્રીજી મેચ રવિવારે પુરી થયા પછી ભારત સીરીઝમાં 2-1ની લીડ ધરાવ છે. આ રીતે, એકંદરે મર્યાદિત ઓવર્સના મુકાબલામાં બન્ને ટીમ સંઘર્ષમય જંગમાં અટવાયેલી છે.
રવિવારની ત્રીજી ટી-20 હિમાચલ પ્રદેશના ધરમશાલામાં રમાઈ હતી, તેમાં ભારતનો 7 વિકેટે વિજય થયો હતો. સુકાની સૂર્યકુમાર યાદવે ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો અને તે યોગ્ય સાબિત થયો હતો, સાઉથ આફ્રિકાની ટીમ 20મી ઓવરના અંતે ફક્ત 117 રનમાં ઓલાઉટ થઈ ગઈ હતી. ભારતના ફાસ્ટ બોલર્સ અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાએ ટોપના ત્રણ બેટર્સને તો ફક્ત 3.1 ઓવરમાં, માત્ર સાત રનમાં રવાના કર્યા હતા. સુકાની એડન માર્કરમે 46 બોલમાં 61 રનનું સૌથી મોટુ પ્રદાન કર્યું હતું, તો તેના સિવાય ડોનોવન ફરેરાના 15 બોલમાં 20 અને એનરિક નોર્ખિયાના 12 બોલમાં 12 રન મુખ્ય હતા. બાકીના કોઈ બેટર બે આંકડાના સ્કોરે પહોંચી શક્યા નહોતા.
ભારત તરફથી અર્શદીપ ચાર ઓવરમાં ફક્ત 13 રન આપી બે વિકેટ સાથે સૌથી વધુ પ્રભાવશાળી રહ્યો હતો, તો હર્ષિત રાણા ચાર ઓવરમાં 34 રન આપી સૌથી મોંઘા સાબિત થયો હતો, પણ તેણે ક્વિન્ટન ડીકોક અને ડેવાલ્ડ બ્રેવિસની મહત્ત્વની વિકેટો ઝડપી હતી. વરૂણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં ફક્ત 11 રન તથા કુલદીપ યાદવે બે ઓવરમાં 12 રન આપી બે-બે વિકેટ ખેરવી હતી. હાર્દિક પંડ્યાએ 23 તથા શિવમ દુબેએ 21 રનમાં એક-એક વિકેટ લીધી હતી.
ભારતે તેના 118 રનના ટાર્ગેટનો ચેઝ ધમાકેદાર રીતે શરૂ કર્યો હતો. અભિષેક શર્મા અને શુભમન ગિલે ઓપનિંગ ભાગીદારીમાં 5.2 ઓવરમાં 60 રન કર્યા હતા. અભિષેક ફક્ત 17 બોલમાં 3 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 35 રન કરી વિદાય થયો હતો. ગિલે પણ 28 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 28 રન કર્યા હતા. ત્રીજા ક્રમે આવેલો તિલક વર્મા ઝમકદાર શરૂઆત પછી 34 બોલમાં 26 રન સાથે અણનમ રહ્યો હતો, તો સુકાની સૂર્યકુમાર 11 બોલમાં ફક્ત 12 રન વિદાય થયો હતો. શિવમ દુબે ચાર બોલમાં એક છગ્ગા અને એક ચોગ્ગા સાથે 10 રન કરી અણનમ રહ્યો હતો.
અર્શદીપને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
બીજી ટી-20માં સા. આફ્રિકાનો 51 રને વિજયઃ એ અગાઉ, ગયા સપ્તાહે ગુરૂવારે (11 ડિસેમ્બર) ન્યૂ ચંડીગઢમાં રમાયેલી બીજી ટી-20માં સાઉથ આફ્રિકાએ ભારતને 51 રને હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતાં ચાર વિકેટે 213 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. ઓપનર વિકેટકીપર ક્વિન્ટન ડીકોકે 46 બોલમાં સાત છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે 90 રન કર્યા હતા, તો સુકાની માર્કરમે 29 અને ડોનોવન ફરેરાએ 30 કર્યા હતા. એકપણ વિકેટ લીધા વિના ચાર ઓવરમાં 54 રન આપી અર્શદીપ સૌથી મોંઘો સાબિત થયો હતો, તો વરૂણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં ફક્ત 29 રન આપી બે વિકેટ લીધી હતી.
જવાબમાં ભારતની શરૂઆત નબળી રહી હતી, ગિલ ખાતુ ખોલાવ્યા વિના વિદાય થયો હતો, તો અભિષેક શર્મા 8 બોલમાં 17 રન કરી વિદાય થયો હતો. તિલક વર્મા 34 બોલમાં પાંચ છગ્ગા અને બે ચોગ્ગા સાથે 62 રન કરી છેક સુધી ઝઝૂમતો રહ્યો હતો, પણ છેલ્લી વિકેટરૂપે તે વિદાય થયો હતો. વિકેટકીપર બેટર જિતેશ શર્માએ 17 બોલમાં 27 રન કર્યા હતા. એકંદરે છેલ્લી ઓવરના પહેલા બોલે તિલકની વિદાય સાથે ભારતની ઈનિંગ 162 રનમાં પુરી થઈ હતી. સા. આફ્રિકાના બાર્ટમેને ચાર ઓવરમાં 24 રન આપી ચાર વિકેટ લીધી હતી, તો લુંગિ એનગીડી, માર્કો યાન્સેન અને લુથો સિપામ્લાએ બે-બે વિકેટ લીધી હતી.
પ્રથમ ટી-20માં ભારતનો 101 રને વિજયઃ કટકમાં ગયા સપ્તાહે મંગળવારે (9 ડિસેમ્બર) રમાયેલી પ્રથમ ટી-20માં ભારતનો 101 રનના જંગી માર્જીનથી વિજય થયો હતો. લાંબા સમય પછી પાછા ફરેલા હાર્દિક પંડ્યાએ ફક્ત 28 બોલમાં ચાર છગ્ગા અને છ ચોગ્ગા સાથે અણનમ 59 રન કર્યા હતા, તો બે ઓવરમાં 16 રન આપી તેણે એક વિકેટ પણ લીધી હતી, જે બદલ તેને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. ભારતે પહેલા બેટિંગ કરતાં 6 વિકેટે 175 રન કર્યા હતા. આ ટાર્ગેટ સા. આફ્રિકા માટે ખાસ પડકારજનક નહોતો મનાતો, પણ ભારતીય બોલર્સના તરખાટ પછી સા.આફ્રિકા ફક્ત 12.3 ઓવરમાં 74 રનમાં ઓલાઉટ થઈ ગયું હતું અને ભારતનો 101 રને વિજય થયો હતો. સા. આફ્રિકાનો ટી-20 ઈન્ટરનેશનલ્સમાં આ સૌથી ઓછા સ્કોરનો નવો રેકોર્ડ હતો.













