57 વર્ષ પહેલાં હોસ્પિટલમાં પ્રસુતી વખતે બદલાઇ ગયેલી બે મહિલાઓએ હોસ્પિટલ અને બે ડોકટરો સામે દાવો કરી રહી છે. તેઓ માને છે કે તેમના જન્મ વખતે તેમને બદલીને એક બીજાના મા-બાપને સોંપી દેવાઇ હતી અને તેમનો ઉછેર એક બીજાના માબાપે કર્યો હતો.
ડીએનએ ટેસ્ટ દર્શાવે છે કે કેથરીન જોન્સે જેનો લાડપ્રેમથી ઉછેર કર્યો હતો તે પુત્રી ટીના એનિસ તેની સગી પુત્રી નથી. પરંતુ તે જિલ લોપેઝની માતા છે, જેનો જન્મ 1964 માં તે જ દિવસે તે જ હોસ્પિટલમાં થયો હતો.
જીલ લોપેઝનો જન્મ 18 મે, 1964ના રોજ અમેરિકાના ઓક્લાહોમાની ડંકન ફિઝિશ્યન્સ એન્ડ સર્જન્સ હોસ્પિટલમાં થયો હતો. ત્રણ વર્ષ પહેલાં, તેની જ ઉંમરની એક મહિલા ટીના એનીસે તેનો ફેસબુક પર સંપર્ક કર્યો હતો અને લોપેઝને ફેમિલી ટ્રેસિંગ સર્વિસ Ancestry.com દ્વારા DNA ટેસ્ટ લેવાનું સૂચન કર્યું હતું.
એનીસે પહેલેથી કરાવેલા ટેસ્ટમાં તેને સ્વ. જોયસ અને જ્હોન બ્રિસ્ટરની પુત્રી તરીકે ઓળખાવાઇ હતી. તે જ દંપત્તીને લોપેઝ તેના પોતાના માતાપિતા ગણાવતી હતી.
બીજી તરફ લોપેઝે કરાવેલા ટેસ્ટમાં જણાયું હતું કે એનિસની 76 વર્ષના માતા, કેથરીન જોન્સ તેની સગી માતા છે. જોન્સે કહ્યું હતું કે લોપેઝની તસવીર જોઈ ત્યારે તેને લાગ્યું હતું કે તે પોતાનો જ ફોટોગ્રાફ જોઈ રહી છે. બીજી તરફ તેણે એનીસને કદી પોતાની દિકરી માની નથી. જોન્સે પોતાની દિકરીના તમામ જન્મદિવસો, નાતાલ, સ્નાતક સમારંભો અને લગ્ન ચૂકી ગઇ હતી. બીજી તરફ તેને હવે જેને દિકરીની જેમ ઉછેરી હતી તે એનિસ અને તેના પૌત્રોને ગુમાવવાનો ડર અનુભવાય છે.
એનિસને ત્રણ બાળકો છે અને લોપેઝને બે બાળકો છે અને તેમનું જીવન કેવી રીતે જોડાયેલું છે તે જાણ્યા પછી, તેમના પરિવારો નાતાલ સહિત અન્ય પ્રસંગે એકત્ર થયા છે.