પેરાસિટામોલમાં “છુપાયેલ” મીઠું હૃદય રોગ અને સંબંધિત મૃત્યુના જોખમ સાથે સંકળાયેલું છે એમ એક મોટા અભ્યાસમાં જાણવા મળ્યું છે.

સોડિયમ ધરાવતું પેરાસિટામોલ લેનારા હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દીઓમાં હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા હાર્ટ ફેલ્યોર થવાનું જોખમ એક વર્ષ પછી 5.6 ટકા હતું, જ્યારે સોડીયમ વગરનું પેરાસિટામોલ લેનારાઓમાં આ પ્રમાણ 4.6 ટકા જેટલું હતું. અમુક પ્રકારની પેઇન કીલરમાં મીઠું હોય છે કારણ કે તે ટેબ્લેટને પાણીમાં ઓગળવામાં નદદ કરે છે.

સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે પેરાસિટામોલ લેવાના કારણે લોકો ભલામણ કરેલ દૈનિક મીઠાની મર્યાદાને ઓળંગી શકે છે.

નિષ્ણાંતો હવે આ અંગે પેરાસિટામોલના પેકેટો પર ચેતવણી આપવાના માગ કરી રહ્યા છે. ડૉક્ટરોએ એ પણ સલાહ આપી છે કે લોકોને ઓછી માત્રામાં મીઠું ધરાવતી ગોળીઓ જ સૂચવવી જોઈએ – અથવા બિલકુલ આપવી નહીં.

યુરોપિયન હાર્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં 790 બ્રિટિશ જીપી સર્જરીમાંથી લેવામાં આવેલા 17 મિલિયન દર્દીઓના ડેટાનો ઉપયોગ કરાયો હતો. ત્યારબાદ વર્ષ 2000થી 2017 દરમિયાન 60 થી 90 વર્ષની વયના 300,000 લોકોને ટ્રેક કરતા જાણવા મળ્યું હતું કે મીઠું ધરાવતી દવા લેનારાઓમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું જોખમ વધારે હતું.

હાઈ બ્લડ પ્રેશર ન ધરાવતા લોકોમાં, એક વર્ષ પછી કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું જોખમ મીઠુ ધરાવતી પેરાસિટામોલ લેનારાઓ માટે 4.4 ટકા હતું જ્યારે મીઠા વગરની દવાનો ઉપયોગ કરનારાઓ માટે 3.7 ટકા હતું.

બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના મેડિકલ ડાયરેક્ટર પ્રોફેસર સર નિલેશ સામાણીએ જણાવ્યું હતું કે: “આ સંશોધનમાં એવા લોકો પર ધ્યાન આપવામાં આવ્યું હતું જેઓ લાંબા સમય સુધી પેરાસિટામોલ લેતા હતા.’’