યુકે સરકારે યુદ્ધગ્રસ્ત યુક્રેનના શરણાર્થીઓને પોતાના ઘરમાં આશ્રય આપતા પરિવારોને દર મહિને 350 પાઉન્ડ (456 ડોલર)નું ભથ્થુ આપવાની રવિવારે જાહેરાત કરી હતી. લોકોને ઓછામાં ઓછા છ મહિના માટે જરૂરિયાતમંદ લોકોને પોતાના મકાન અને સ્પેર રૂમ ઓફર કરવા માટે પ્રોત્સાહિત કરાશે અને તેમને સરકાર તરફથી ‘થેન્ક યુ’ તરીકે બદલામાં દર મહિને 350 પાઉન્ડ મળશે.
યુકેના આવાસ પ્રધાન માઇકલ ગોવે ટીવી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હજારો શરણાર્થીઓને વધારાની સ્કીમોથી પણ લાભ થવાની ધારણા છે, જેમાં યુક્રેનના શરણાર્થીઓની જરૂરિયાત પૂરી કરવા સ્થાનિક કાઉન્સિલને માથાદીઠ 10,000 પાઉન્ડ (13,000 ડોલર)ની ગ્રાન્ટનો સમાવેશ થાય છે. શરણાર્થીઓ સરકારી નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)નો પણ લાભ લઈ શકશે.
ગોવે સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે “દેશમાં આવતા દરેક વ્યક્તિ દીઠ આશરે 10,000 પાઉન્ડ સ્થાનિક સત્તાવાળા માટે ઉપલબ્ધ કરાશે. આ ઉપરાંત સ્કૂલમાં ભણવાની ઉંમર ધરાવતા બાળકો માટે વધારાનું પેમેન્ટ થશે અને તેમનો એજ્યુકેશન સિસ્ટમમાં સમાવેશ કરાશે. દરેકને એનએચએસની મેન્ટલ હેલ્થ સહિતની સંપૂર્ણ સર્વિસ મળશે.” યુકે સ્થિત યુક્રેનવાસીઓ પોતાના નજીકના પરિવારજનોનો લાવવા માટેની ફેમિલી સ્કીમ ઉપરાંત ન્યૂ હોમ ફોર યુક્રેન સ્કીમ હેઠળ સોમવારથી ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલુ થશે.