વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાંસદોના સંતાનોને ટિકિટ ન આપવાનો સભાનપૂર્વક નિર્ણય કરવામાં આવ્યો હતો, કારણ કે વંશવાદનું રાજકારણ લોકશાહી માટે જોખમી છે અને પક્ષ તેની વિરુદ્ધમાં છે. તેઓ સાંસદોના કેટલાંક બાળકોને ટિકિટનો ઇનકાર કરવાની જવાબદારી લે છે અને તેમના લીધે ટિકિટનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયને પગલે પક્ષની પાર્લામેન્ટરી પાર્ટીની બેઠકમાં સંબોધન કરતાં મોદીએ પાંચ રાજ્યોના સાંસદોને એવી કામગીરી સોંપી હતી કે તેઓ ભાજપને તુલનાત્મક રીતે ઓછા મોત મળ્યા હોય તેવા ઓછામાં ઓછા 100 બૂથ શોધી કાઢે અને ઓછા મત મળવાની કારણોની તપાસ કરે. આ બેઠકમાં મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાનું સન્માન કરવામાં આવ્યું હતું.
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીના જણાવ્યા મુજબ કે મોદીએ કહ્યું હતું કે દેશમાં વંશવાદી રાજનીતિની વિરુદ્ધમાં વાતાવરણ છે અને લોકોની આ ભાવનાનું સન્માન કરીને ભાજપે તેના નેતાઓના પરિવારના સભ્યોને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને પક્ષના નેતાઓએ સ્વીકાર્યો અને આવકાર્યો હતો.
યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ભારતના નાગરિકોને પરત લાવવાના મુદ્દે મોદીએ સાંસદોને જણાવ્યું હતું કે સરકાર સુરક્ષિત રીતે પરત લાવવાની કામગીરી કરી હતી ત્યારે કેટલાંક રાજકીય નેતાઓ આ મુદ્દાને રાજકીય રંગ આપી રહ્યાં હતા તથા યોગ્ય અને ચોક્સાઇપૂર્ણ આંકડા અને વિગતો વગર નિવેદનો કરી રહ્યાં હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વંશવાદનું રાજકારણ લોકશાહી માટે જોખમી છે તથા તેઓ સાંસદોના કેટલાંક બાળકોને ટિકિટનો ઇનકાર કરવાની જવાબદારી લે છે અને તેમના લીધે ટિકિટનો ઇનકાર કરવામાં આવ્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે વંશવાદના રાજકારણનો સામનો કરવા ભાજપે સંગઠનમાં પણ આવી પદ્ધતિ પર રોક મૂકી છે.