બેસ્ટવે ગ્રૂપની યુકેની સૌથી મોટી સ્વતંત્ર ફૂડ એન્ડ ડ્રિન્ક હોલસેલર બેસ્ટવે હોલસેલની આવક 2021માં 10 ટકા વધીને 2.66 બિલિયન પાઉન્ડ થઈ છે, જે 220 મિલિયન પાઉન્ડનો વધારો દર્શાવે છે. કંપની ફરી નફો કરતી થઈ છે. તેનો ટેક્સ પહેલાનો ઓપરેટિંગ પ્રોફિટ 37.2 મિલિયન ડોલર રહ્યો હતો.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગ્રાહકોની ઝડપથી બદલાતી જતી પસંદગી મુજબ બિઝનેસ કરવાની ક્ષમતાને કારણે કંપનીએ આ મજબૂત દેખાવ કર્યો છે. બેસ્ટવે હોલસેલ તેના વ્યાપમાં વધારો કરવાની પણ તક ઝડપી લીધી છે અને ફેબ્રુઆરી 2021માં કોસ્ટકટર સુપરમાર્કેટ્સ ગ્રૂપ (સીએસજી)ને હસ્તગત કરવાની પ્રક્રિયા પૂરી કરી હતી.
બેસ્ટવે હોલસેલના મેનેજિંગ ડિરેક્ટર દાઉદ પરવેઝે જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે હોલસેલ સેક્ટરની માર્કેટ સ્થિતિ પડકારજનક રહી હતી. સપ્લાય ચેઇનની સમસ્યા, સ્ટાફની ઉપલબ્ધતા અને ફુગાવાજન્ય દબાણ જેવા પડકારો હતો. અમારે નેશનલ લિવિંગ વેજમાં વધારાની અસરનો તથા બ્રેક્ઝિટ સંબંધિત અનિશ્ચિતતા અને વધારાના ખર્ચનો પણ સામનો કરવો પડ્યો હતો. આ પડકારો હોવા છતાં અમે ગ્રાહકોને વધુ સર્વિસ અને સાનુકૂળતા ઓફર કરવાની અમારી વ્યૂહરચના માટે પ્રતિબદ્ધ રહ્યાં હતા. અમે આ સમયગાળા દરમિયાન પ્રોડક્ટ્સની ઉપલબ્ધતાનો સામનો કરવામાં અને સુધારો કરવામાં સફળ રહ્યાં હતા, તેનાથી વેચાણને પોઝિટિવ અસર થઈ હતી.
તેમણે જણાવ્યું હતું કે 2021માં આર્થિક અસ્થિરતા અને પડકારો હોવા છતાં આ રિઝલ્ટ અમારા વ્યૂહાત્મક અભિગમ અને ઓપરેટિંગ મોડલનો પુરાવો છે, જેનાથી તમામ આંત્રેપ્રિન્યોર રિટેલર માટે અમે પ્રથમ પસંદગી બન્યા છે.
બેસ્ટવે હોલસેલ બેસ્ટવે ગ્રૂપની કંપની છે. બેસ્ટવે ગ્રૂપની આવક 2021માં 10 ટકા વધી 3.75 બિલિયન પાઉન્ડ થઈ હતી. તેનો ટેક્સ પહેલાનો ઓપરેટિંગ નફો 350 મિલિયન પાઉન્ડ રહ્યો હતો.
આ ગ્રૂપના પોર્ટફોલિયોમાં બેસ્ટવે હોલસેલ અને વેલ ફાર્મસીનો સમાવેશ થાય છે. વેલ ફાર્મસી યુકેની સૌથી મોટી સ્વતંત્ર રિટેલ ફાર્મસી ચેઇન છે. આ ઉપરાંત ગ્રૂપમાં પાકિસ્તાનમાં બીજા ક્રમની સૌથી મોટી સિમેન્ટ કંપની બેસ્ટવે સિમેન્ટ અને બીજા ક્રમની સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક (યુબીએલ)નો સમાવેશ થાય છે. આ ગ્રૂપ યુકે અને પાકિસ્તાન બંનેમાં પ્રોપર્ટીમાં નોંધપાત્ર રોકાણ ધરાવે છે.
ગ્રૂપના યુકે બિઝનેસને જીવનજરૂર બિઝનેસ તરીકે વર્ગીકૃત કરાયો છે તથા મહામારી દરમિયાન યુકેમાં ફૂડ એન્ડ મેડિસિન સપ્લાય ચેઇનને સ્થિર રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વેલ ફાર્મસીએ આશરે 60 કોવિડ વેક્સિનેશન સાઇટ ઓપરેટ કર્યા હતા.
ગ્રૂપનું ચેરિટેબલ એકમ બેસ્ટવે ફાઉન્ડેશન વિવિધ હેલ્થકેર અને એજ્યુકેશન ચેરિટીના સપોર્ટમાં સતત સક્રિય રહ્યું છે તથા યુકેમાં યુનિવર્સિટી અભ્યાસ માટે સાઉથ એશિયન મૂળના વિદ્યાર્થીઓને આશરે 270,000ની ગ્રાન્ટ આપી છે.
પરવેઝ, ચૌદ્રે અને શેખ પરિવારોની માલિકીના આ ગ્રૂપની સ્થાપના 1976માં સર અનવર પરવેઝ OBEએ કરી હતી. આશરે 12 મિલિયન ગ્રાહકો અને 28,000 કર્મચારી ધરાવતું આ ગ્રૂપ યુકે, પાકિસ્તાન અને મિડલ ઇસ્ટૂમાં તેના બિઝનેસ મારફત કોમ્યુનિટીને સપોર્ટ અને સર્વિસ પૂરી પાડે છે.તેની હેડઓફિસ લંડનના પાર્ક રોયલમાં આવેલી છે.