યુક્રેન સામે રશિયાના આક્રમણ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડેન સોમવાર (11 એપ્રિલ)એ વર્ચ્યૂઅલ મીટિંગ કરશે. આ અંગે નવી દિલ્હી અને વ્હાઇટહાઉસમાંથી સત્તાવાર જાહેરાત થઈ હતી.
બન્ને નેતાઓ વચ્ચે યોજાનારી આ બેઠકમાં દ્વિપક્ષીય મુદ્દે અને ખાસ કરીને રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા થાય તેવી શક્યતા છે. હાલમાં ભારતે યુએનમાં રશિયાની વિરૂદ્ધમાં મતદાન કરવાનું ટાળ્યું હતું તે જોતાં પણ બન્ને નેતાઓ વચ્ચેની આ મીટિંગ મહત્વની મનાય છે.
યુક્રેન મુદ્દે તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં ખાસ્સો ગજગ્રાહ ઊભો થયો છે. અમેરિકા રશિયા સામે આકરું વલણ અપનાવી રહ્યું છે ત્યારે ભારતે તટસ્થ વલણ અપનાવ્યું છે. બાઈડેને તાજેતરમાં કહ્યું હતું કે સમગ્ર વિશ્વ રશિયાના યુક્રેન પર આક્રમણ સામે સંગઠિત મોરચો ઊભો કરી રહ્યું છે, જ્યારે ભારત ક્વાડ સંગઠનમાં હોવા છતાં અલગ વલણ અપનાવી રહ્યું છે.
વિદેશ મંત્રાલયે મોદી-બાઈડેન વર્ચ્યૂઅલ મીટિંગ અંગે કહ્યું હતું કે “વર્ચ્યૂઅલ મીટિંગ બન્ને પક્ષોનું નિયમિત અને ઉચ્ચસ્તરીય વૈચારીક આદાન-પ્રદાન આગળ ધપાવશે અને દ્વિપક્ષીય સર્વગ્રાહી વૈશ્વિક સ્ટ્રેટજિક પાર્ટનરશિપ વધુ મજબૂત બનાવશે.” વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ કહ્યું હતું કે બાઈડેન “આ મીટિંગનો ઉપયોગ રશિયાએ યુક્રેન પર થોપેલા યુદ્ધના પરિણામો અંગે ચર્ચા કરવા માટે કરશે. આ ઉપરાંત વૈશ્વિક ફૂડ સપ્લાય અને કોમોડિટી માર્કેટ પર પડી રહેલી અસર ઓછી કરવા અંગે પણ ચર્ચા થશે”.
ભારત અને અમેરિકા વચ્ચે સોમવારે જ વોશિંગ્ટનમાં ટુ પ્લસ ટુ (2+2) મીટિંગ પણ યોજાવાની છે. તે સાથે બન્ને દેશના ટોચના નેતાઓ વચ્ચેની મીટિંગ રસપ્રદ બની રહેશે. આગામી સપ્તાહે બન્ને દેશોના વિદેશ પ્રધાનો અને સંરક્ષણ પ્રધાનો સાથે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ પરસ્પર મીટિંગ કરશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશપ્રધાન એસ.જયશંકર વોશિંગ્ટનમાં અમેરિકન સંરક્ષણ પ્રધાન લોઈડ ઓસ્ટિન અને વિદેશ પ્રધાન એન્ટોની બ્લિન્કેનને મળશે. વિદેશ મંત્રાલયે આપેલી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 એપ્રિલે અમેરિકાના પ્રમુખ જો બાઈડેન સાથે વર્ચ્યૂઅલ મીટિંગ કરશે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બાઈડેન અને મોદી વચ્ચે અનેક મુદ્દે ચર્ચા થશે જેના દ્વારા બન્ને સરકારો, બન્ને દેશોના અર્થતંત્ર અને બન્ને દેશોની જનતા વચ્ચે સંબંધ વધુ મજબૂત બનશે. આ બન્ને નેતાઓ કોરોના, ક્લાઈમેટ ક્રાઈસિસ, વૈશ્વિક અર્થતંત્રને મજબૂત બનાવવા, મુક્ત અર્થતંત્ર, હિન્દ-પ્રશાંત મહાસાગર વિસ્તારમાં સુરક્ષા, લોકતંત્ર અને સમૃદ્ધિ સહિતના મુદ્દે ચર્ચા કરશે. તેમણે કહ્યું કે બન્ને નેતાઓ ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ડેવલપ કરવા અંગે અને હાઈ-ક્વોલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા અંગે પણ વધુ ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી અને બાઈડેન વચ્ચે અગાઉ ગયા મહિને માર્ચમાં ક્વોડ દેશોની વર્ચ્યૂઅલ મીટિંગમાં વાતચીત થઈ હતી.