Kejriwal government's deputy chief minister Manish Sisodia arrested
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા (PTI Photo/Ravi Choudhary)

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સત્તાધારી ભાજપ અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદની કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં શિક્ષણની ક્વોલિટીની મુદ્દે આમને સામને આવી ગયા છે. આ વિવાદનું મુખ્ય કારણ રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીનું વિવાદાસ્પદ નિવેદન છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સારી બનાવી છે અને જેમને અહીંનું શિક્ષણ સારું ન લાગતું હોય તે બીજા રાજ્ય જઈ શકે છે.

આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ વળતો પ્રહાર કર્યો હતો અને જણાવ્યું હતું કે ગુજરાતના લોકોએ સારા શિક્ષણ માટે બહાર જવાની જરૂર નથી, પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવી રહી છે. આ પછી મનીષ સિસોદિયા ગુજરાતી મુલાકાતે આવ્યા છે અને ગુજરાતની વિવિધ સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી. તેમણે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના વતન ભાવનગરની શાળાઓમાં નિરીક્ષણ કર્યા બાદ મીડિયાને જણાવ્યું હતું કે ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે તો આટલા વર્ષોમાં તેમણે શું કર્યું એની તપાસ કરવા આવ્યો છું.

તેમણે જણાવ્યું કે, હું શિક્ષણપ્રધાનના વિધાનસભા વિસ્તારમાં આવ્યો છું. અમને લાગતું હતું કે, શિક્ષણપ્રધાનનો વિસ્તાર છે તો અહીંયા બધું સારુ જ હશે પરંતુ તપાસ કરતા સરકારી સ્કૂલોમાં દિવાલો જર્જરીત અને ગંદકી જોવા મળી. બાળકોને બેસવા માટેની સારી વ્યવસ્થા નથી. સ્માર્ટ બોર્ડ લગાડવાથી શિક્ષણ વ્યવસ્થા સારી થઈ ગઈ હોય તેવું કહીને મજાક ન કરો. ગુજરાત ગાંધી અને સરદાર પટેલની ધરતી છે જેમણે શિક્ષા માટે અનેક કામો કર્યા છે. જેથી ભાજપે કઈંક શીખવું જોઈએ કારણ કે નવી પેઢી અહીથી નીકળવાની છે. હજી પણ ચૂંટણીમાં 6 મહિના જેટલો સમય છે સમજી જાવ નહીંતર જનતા એવી સરકાર લાવશે જે બાળકો માટે સારી સ્કૂલ બનાવી શકે.

સિસોદિયા જણાવ્યું કે, હું ઈચ્છું છું કે, ચૂંટણીઓમાં શિક્ષણ પર ચર્ચા થવી જોઈએ અને પાર્ટીઓ વચ્ચે શિક્ષણના મુદ્દે સ્પર્ધા થઈ જોઇએ. અમારો દાવો છે કે, અમે સારું શિક્ષણ આપીશું, જ્યારે ગુજરાતના શિક્ષણપ્રધાન એવું કહે છે કે જેમને શિક્ષણ સારૂં ન લાગતું હોય તે રાજ્ય છોડીને જઈ શકે છે.