બ્રિટનની ચેરિટી સંસ્થા હિંદુ સ્વયંસેવક સંઘ (HSS)ની શાખાએ ‘ધ હિંદુ વે’ મુજબ ધરતી માતાની પૂજા કરી હિંદુ તહેવાર ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે ક્વીન્સ ગ્રીન કેનોપી પહેલના ભાગરૂપે લંડન બરો ઓફ બાર્નેટમાં વ્હેલબોન પાર્ક ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. ચિપિંગ બાર્નેટના સાંસદ થેરેસા વિલિયર્સે આ પ્રસંગે હાજરી આપી હતી.
ગ્રીન કેનોપી એ ક્વીન એલિઝાબેથની પ્લેટિનમ જ્યુબિલીને ચિહ્નિત કરવા માટે સમગ્ર યુકેમાં સમુદાયોને વૃક્ષો વાવવા માટે આમંત્રિત કરવા માટે હાથ ધરવામાં આવેલી પર્યાવરણ તરફી પહેલ છે. જે પહેલ સમગ્ર યુકેના સમુદાયોને એક વૃક્ષ વાવવા અને પર્યાવરણને ખીલવવામાં મદદ કરવા આમંત્રણ આપે છે.
એચએસએસ યુકેને આ પ્રોજેક્ટ હેઠળ 15 રોપાઓ પ્રાપ્ત થયા હતા અને ધરતી માતાનું કંકુ અને ચોખા ચઢાવી વૈદિક સ્તોત્રો ‘ઓમ ભુવનેશેહવરિયે નમઃ’ ના મંત્રોચ્ચાર વચ્ચે પેડ્ડી અને હેલેના શેનનના સહયોગથી વીર સુમરિયા, સુજલ દેપાલા અને થેરેસા વિલિયર્સ, MP દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. ભારત અને યુકે વચ્ચેના સંબંધોના ભાગરૂપે અને આ રોપાઓને ગંગા અને થેમ્સના પાણીથી સીંચવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગ્રીન કેનોપી અને એચએસએસ યુકેની સ્મારક તકતીઓ પણ સ્થાપિત કરવામાં આવી હતી.
એમપી વિલિયર્સે કહ્યું હતું કે ‘’આ પ્રોજેક્ટમાં HSS UK ની ભાગીદારી દર્શાવે છે કે હિન્દુ સમુદાય મહારાણીના જીવનની સેવા માટે ઉચ્ચ આદર ધરાવે છે. હિંદુઓ પર્યાવરણની પૂજા પર ભાર મૂકે છે તેનાથી હું પ્રભાવિત થઈ છું.’’ તેમણે કોવિડ-19 રોગચાળા દરમિયાન સેવા (સ્વૈચ્છિક સેવા) પ્રોજેક્ટ્સમાં HSS SSફએએસંસ્થાની “ઉદાહરણીય” ભાગીદારીને યાદ કરી સરાહના કરી હતી.
ચેરિટીના વિશાલ શાહે જણાવ્યું હતું કે ‘’દેશ અને કોમનવેલ્થ માટે રાણીની 70 વર્ષની સેવાને ચિહ્નિત કરતી પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીમાં ભાગ લેવો એ એક વિશેષાધિકાર છે. વૃક્ષ રોપવું એ ભાવિ પેઢીઓ માટે આનંદ માણવા માટે કાયમી વારસો છોડવાની એક અદ્ભુત રીત છે.”
એચએસએસ યુકેના વિશાલ શાહે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. યુવા સ્વયંસેવક ધવલ દેપાલાએ પ્રાસંગીક પ્રવચન કરી કુદરતનો આદર કરવાની હિંદુ સંસ્કાર વિષે જણાવ્યું હતું.
1966 માં સ્થપાયેલ, એચએસએસ યુકે બ્રિટનભરમાં 102 ચેપ્ટર્સ ધરાવે છે, જેમાં 2,000થી વધુ સ્વયંસેવકો સાપ્તાહિક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે.