Picture - Met Police

સાઉથ વેસ્ટ લંડનના હંસલોમાં ડ્રેક કોર્ટમાં ખાતે મૃત હાલતમાં મળી આવેલા માતા અને પુત્રીના મૃત્યુની તપાસ પૂર્ણ જાહેર કરાઇ છે અને 25 વર્ષીય શિવાંગી બગોઆએ પોતાની બે વર્ષની પુત્રી ઝિયાના બગોઆની 14 ડિસેમ્બર 2020ના રોજ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં આત્મહત્યા અને ગેરકાયદેસર હત્યાનો ચુકાદો નોંધવામાં આવ્યો હતો.

બન્નેના મૃતદેહ મળી આવ્યા બાદ લંડન એમ્બ્યુલન્સ સર્વિસ અને પોલીસને બોલવવામાં આવી હતી. મૃતદેહો જે સંજોગોમાં મળ્યા હતા તે જોઇને નિષ્ણાત ડિટેક્ટિવોએ તપાસ શરૂ કરી હતી. તપાસમાં જણાયું હતું કે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં કામ કરતી શિવાંગીએ પોતાનો જીવ લેતા પહેલા, ઝિઆનાને પ્રોપોફોલ અને રોક્યુરોનિયમ આપવા માટે પોતાના તબીબી જ્ઞાનનો ઉપયોગ કર્યો હતો. જેને ઘટનાસ્થળેથી મળી આવેલી નોંધોએ સમર્થન મળ્યું હતું.

માનવામાં આવે છે કે 11 ડિસેમ્બર 2020ના રોજ શિવાંગી અને ઝિઆનાનું અવસાન થયું હતું. તપાસમાં અન્ય કોઈની સંડોવણી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

મેટના સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ કમાન્ડના ડિટેક્ટીવ ચીફ ઈન્સ્પેક્ટર જીમ શર્લીએ કહ્યું હતું કે “આ ખરેખર દુ:ખદ કિસ્સો છે અને અમારી લાગણી શિવાંગી અને ઝિઆનાના પરિવાર સાથે છે. શિવાંગીએ જે કર્યું તે શા માટે કર્યું તે અમે ક્યારેય સંપૂર્ણ રીતે જાણી શક્યા નથી. તે સ્પષ્ટ છે કે તેણીની માનસિક અસ્વસ્થતાએ નોંધપાત્ર ભૂમિકા ભજવી હોવી જોઈએ. જો તમે સંઘર્ષ કરી રહ્યાં હો, તમારી જાતને અથવા અન્યને નુકસાન પહોંચાડવાના વિચારો આવતા હોય તો તમારે ફક્ત કોઇની સાથે વાત કરવાની જરૂર છે.’’

સખાવતી સંસ્થાઓ માઇન્ડ અને સમારિટન્સ બંને ઘણી બધી રીતે મદદરૂપ સલાહ અને સંસાધનો ઑનલાઇન ઉપલબ્ધ કરાવે છે. તેઓ કટોકટીમાં હોય તેવા લોકો માટે ફોન લાઈન ચલાવે છે અને રૂબરૂમાં પણ મદદ કેવી રીતે મેળવવી તે અંગે સલાહ આપી શકે છે.