તિબેટની આરઝી હકુમતના વડા પેન્પા ત્સેરિંગે જણાવ્યું છે કે ઘણા લોકો માને છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તિબેટ પર ચીનના કબજાને માન્યતાના આપીને મોટી ભૂલ કરી હતી, પરંતુ નહેરુએ પોતાના દેશ માટે શ્રેષ્ઠ હતું તે કર્યું હતું. જોકે 2014માં મોદી સરકાર સત્તા પર આવ્યા બાદ તિબેટ અંગે ભારતે તેનું વલણ બદલ્યું છે.
અમેરિકામાં જો બાઇડન સરકારના ટોચના અધિકારીઓ અને સંસદસભ્યોનેને મળવા વોશિંગ્ટન ગયેલા સેન્ટ્રલ તિબેટન એડમિનિસ્ટ્રેશળનના પ્રેસિડન્ટ પેન્પા ત્સેરિંગે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે નહેરુના તિબેટ અંગેના નિર્ણયો તેમના પોતાના એક વૈશ્વિક વિઝનને કારણે હતા અને તેમને ચીનમાં વધુ પડતી શ્રદ્ધા અને વિશ્વાસ હતો. હું આવા નિર્ણય માટે માત્ર પંડિત નહેરુને જવાબદાર ગણતો નથી. અમે સમજીએ છીએ કે દરેક દેશ માટે રાષ્ટ્રહિત પ્રથમ આવે છે અને તેમણે તે સમયે ભારત માટે શ્રેષ્ઠ હતું તે કર્યું હતું. માત્ર ભારતે જ નહીં, પરંતુ બીજા કેટલાંક દેશોએ પણ તિબેટ પર ચીનના સાર્વભોમત્વનો સ્વીકાર કર્યો હતો. હવે ઘણા લોકો માને છે કે પંડિત નહેરુએ ભૂલ કરી હતી. હકીકતમાં તેમને ચીન પર એટલો વિશ્વાસ હતો કે 1962માં ભારત પર ચીનનું આક્રમણ થયું ત્યારે તેમને ભારે આઘાત લાગ્યો હતો અને તેમના મોતમાં આ એક કારણ બન્યું હતું.