(ANI Photo)

પંજાબના પટિયાલામાં ખાલિસ્તાન વિરોધી માર્ચ દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ થતાં ચાર વ્યક્તિ ઘાયલ થયા હતા અને સ્થિતિને અંકુશમાં લેવા માટે પોલીસે હવામાં ફાયરિંગ કરવું પડ્યું હતું. આ અથડામણને પગલે સ્થાનિક સત્તાવાળાએ 11 કલાકના કરફ્યૂની જાહેરાત કરી હતી. ટોળાને અંકુશમાં લેવા માટે ભારે પોલીસદળ તૈનાત કરવામાં આવ્યા હતા.

પટિયાલા જિલ્લા મેજિસ્ટ્રેટ સાક્ષી સાહનીના આદેશમાં જણાવાયું હતું કે શુક્રવારના સાંજે 7 વાગ્યાથી શનિવારના સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. શાંતિ અને કાયદાની જાળવણી માટે આ પગલાં લેવામાં આવ્યા છે. જોકે તમામ ઇમર્જન્સી અને આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

શિવસેના (બાલ ઠાકરે) નામના સંગઠનના સભ્યો અને કેટલાંક નિહંગ સહિત શીખ કાર્યકારોના જૂથ વચ્ચે કાલી માતાના મંદિર બહાર અથડામણ થઈ હતી અને તેનાથી ભારે તંગદિલી ઊભી થઈ હતી. બંને જૂથોએ નારેબાજી કરી હતી અને એકબીજા સામે પથ્થરો ફેંક્યા હતા. આ સંઘર્ષમાં એક પોલીસને પણ ઇજા થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે હાલમાં સ્થિતિ અંકુશ હેઠળ છે. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને આ ઘટનાને કમનસીબ ગણાવીને જણાવ્યું હતું કે તેઓ રાજ્યના ડીજીપીના સંપર્કમાં છે.