ઇસ્ટ લંડનમાં હિંસક લૂંટમાં દોષિત ઠરેલા 28 વર્ષના ભારતીય મૂળના અજયપાલ સિંઘને 20 વર્ષની, એન્થોની લેસેલ્સને 18 વર્ષની અને ત્રીજા સાથીદાર, 28-વર્ષીય ક્રિસ્ટોફર સાર્જન્ટને 15 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

અજયપાલ સિંઘને ધારદાર શસ્ત્ર સપ્લાય કરવા અને કબજામાં રાખવાના આરોપસર દોષિત ઠરાવાયો હતો અને ગયા વર્ષે નવેમ્બરમાં ટ્રાયલ દરમિયાન લૂંટ માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો.

1 મે, 2020 ના રોજ, ઇસ્ટ લંડનના અપમિન્સ્ટરમાં 11 વર્ષના છોકરાને ગોળી વાગતા ઘાયલ થયો હતો અને 40 વર્ષની વયના એક વ્યક્તિએ માથામાં છરાના ઘા કર્યા હતા. ઘર માલિકે ઘરનો દરવાજો ખોલતા ડિલિવરી ડ્રાઈવર હોવાનો સ્વાંગ રચીને આવેલા લુંટારાએ ઘરના દરવાજા પર પાર્સલ મૂક્યું હતું. તે વ્યક્તિ પાર્સલ લેવા માટે નીચે ઝૂકતા લુટારૂ ગેંગ હુમલો કરી ઘરમાં ઘુસી ગયા હતા. તેમણે પૈસાની માંગણી નહિં સંતોષવામાં નહીં આવે તો તેમના 11 વર્ષના પુત્રને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. લૂંટ દરમિયાન કાયદેસરની શોટગનમાંથી ગોળી છૂટતા એક ગોળી બાળકના ખભામાં વાગી હતી. તે પછી ગેંગ £20,000 મૂલ્યની જ્વેલરી અને ઘડિયાળો સાથે ભાગી છૂટી હતી. સ્પેશિયાલિસ્ટ ક્રાઈમ કમાન્ડના મેટ અધિકારીઓએ તપાસ કરી ત્રણ જણાને પકડી લીધા હતા.