ગુજરાતમાં 24 જેટલા નાબૂદ કરાયેલા મહેસૂલી કાયદાઓ હેઠળ આવતી જમીનો નવી શરતની છે કે જૂની શરતની છે તે અંગે વહીવટી કમિટીની ભલામણોને સ્વીકારી રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ ભલામણો સીએલ મીના કમિટીએ રજૂ કરી હતી અને તેમાં કાયદા પ્રમાણેના જિલ્લા અને વિસ્તારો પ્રમાણે જમીનનો સત્તાપ્રકાર નિશ્ચિત કર્યો છે.
રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, નાબૂદ થયેલા આ 24 કાયદા હેઠળ આવતી જમીનના સત્તાપ્રકાર અંગે વિભાગે માર્ગદર્શિકા બનાવી છે જેનું પાલન જિલ્લા કલેક્ટરોએ કરવાનું રહેશે. મહેસૂલ વિભાગ એક સપ્તાહમાં આ અંગેનો ઠરાવ બહાર પાડશે. સરકારે બહાર પાડેલી આ ગાઇડલાઇન પ્રમાણે જિલ્લા કલેક્ટરોને કેસ ટુ કેસ નિર્ણય લેવામાં સરળતા રહેશે.
સરકારે નક્કી કરેલી ગાઇડલાઇન પ્રમાણે મોટાભાગની જમીનો જૂની શરતની અને કેટલાક કિસ્સામાં નવી શરતની પણ ઠરાવવામાં આવી છે જેમાં ગણોતધારાની જોગવાઇ પણ લાગુ પાડવામાં આવી છે. અમદાવાદ શહેર અને જિલ્લાને લાગુ પડે છે ત્યાં સુધી ધી મુંબઇ વટવા વજીફદારી હક્ક એબોલિશન એક્ટ 1950 હેઠળની વટવાની જમીનો પૈકી વજીફદાર ખાતાની તેમજ વંશપરંપરાગત ધારણ કરતાં ખેડૂતોની જમીનને જૂની શરતની ઠરાવવામાં આવી છે. જોકે, જ્યાં ગણોતધારો લાગુ પડતો હોય ત્યાં નવી શરતની જમીન ગણાશે.