કોંગ્રેસે ઉદયપુરમાં ત્રણ દિવસની ચિંતન શિબિરના અંતિમ દિવસે વિધાનસભા અને લોકસભાની આગામી ચૂંટણીઓ માટે સજ્જ બનવા માટે સંખ્યાબંધ સુધારાનો સંકલ્પ કર્યો છે અને ઉદયપુર નવ સંકલ્પ ઘોષણાપત્ર અપનાવ્યું છે. પાર્ટીએ વન ફેમિલી, વન ટિકિટ, એક વ્યકિત એક હોદ્દો, એક પદ માટે પાંચ વર્ષની મુદત, એસસી, એસટી, ઓબીસી, લઘુમતીઓ માટે 50 ટકા અનામત, 50 વર્ષથી ઓછી ઉંમરના નેતાઓ માટે પાર્ટીના હોદ્દા અનામત રાખવા જેવા સંખ્યાબંધ મહત્ત્વના નિર્ણયો લીધા છે. આ ઉપરાંત બે ઓક્ટોબરે મહાત્મા ગાંધી જયંતીએ કન્યાકુમારીથી કાશ્મીરની ભારત જોડો યાત્રા શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.
કોંગ્રેસ પ્રમુખ સોનિયાએ ગાંધીએ ચિંતન શિબિરના સમાપન સંબોધનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ બે ઓક્ટોબરે મહાત્મા ગાંધી જયંતીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા કાઢશે. પાર્ટી 15 જૂનથી જિલ્લા સ્તરે જન જાગરણ યાત્રાનો બીજો રાઉન્ડ ચાલુ કરશે.
પક્ષની સર્વોચ્ચ નિર્ણય કરતી સમિતિ કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)એ આ નવું ઘોષણપત્ર સ્વીકાર્યું છે. આ પહેલા પક્ષના માળખાની, રાજકીય, આર્થિક, કૃષિ, સામાજિક ન્યાય અને યુવા સંબંધિત મહત્ત્વના મુદ્દાની ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. આ ચિંતન શિબિરની સાથે વર્કિંગ કમિટીએ બેઠક યોજી હતી, જેમાં છ સમિતિઓને ભલામણને આધારે કરવામાં આવેલા નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી. સોનિયા ગાંધીએ વિચારસરણી, આર્થિક નીતિ સહિતના તમામ મુદ્દાની ચકાસણી કરવા માટે આ છ સમિતિઓની રચના કરી હતી.
કોંગ્રેસે વન ફેમિલી, વન ટિકિટની ફોર્મ્યુલા અપનાવી છે, પરંતુ તેમાં શરત રાખી છે કે ચૂંટણી લડવા માગતા કુટુંબના બીજા સભ્યે ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે દ્રષ્ટાંત આપી શકાય તેવી રીતે પાર્ટીમાં કામગીરી કરેલી હોવી જોઇએ. આ ફોર્મ્યુલાથી પ્રિયંકા ગાંધી અને બીજા નેતાઓ માટે ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થશે, કારણ કે તેઓ 2019થી પાર્ટીના હોદ્દેદારો પણ છે.
કોંગ્રેસ એક વ્યક્તિ, એક હોદ્દાના નિયમનો અમલ કરશે. કોઇ પણ વ્યક્તિ પાંચ વર્ષથી વધુ સમય માટે એક જ હોદ્દા પર રહી શકશે નહીં. મુદત પૂરી થયા બાદ હોદ્દેદાર તેમના હોદ્દા પરથી રાજીનામું આપવું પડશે. આ પછી ત્રણ વર્ષનો કુલિંગ પીરિયડ રહેશે અને ત્રણ વર્ષ પૂરા થયા બાદ સમાન હોદ્દા પર આવી શકાશે.
પાર્ટીએ સંગઠનના તમામ સ્તરો પર એસસી, એસટી, ઓબીસી અને લઘુમતીઓને 50 ટકા પ્રતિનિધિત્વ આપવાની ભલામણને પણ મંજૂરી આપી છે. કોંગ્રેસે સમાજના નબળા અને વંચિત લોકોનો વિશ્વાસ ફરી જીવતા માટે આ નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે. યુવા નેતાઓને પ્રોત્સાહન આપવા માટે પણ પાર્ટીના 50 ટકા હોદ્દા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે અનામત રાખવામાં આવશે. આ નિયમ કોંગ્રેસ સંગઠનના તમામ સ્તરે લાગુ પડશે.
કોંગ્રેસે જણાવ્યું છે કે તે ખેડૂતો માટે કૃષિ પેદાશોના ટેકાના ભાવને કાનૂની સ્વરૂપ આપશે. આ ઉપરાંત આગામી ચૂંટણીમાં બેરોજગારીને મુખ્ય મુદ્દો બનાવશે. પાર્ટી તમામ હોદ્દેદારોની કામગીરીની દેખરેખ રાખવા એસેસમેન્ટ વિંગની પણ રચના કરશે. તે લોકોના અભિપ્રાયો જાણવા માટે પબ્લિક ઇનસાઇટ ડિપાર્ટમેન્ટની પણ રચના કરશે અને ચૂંટણી માટે સજ્જ થવા વિવિધ સરવે કરશે. આ ઉપરાંત સંકલિત દૂરસંચાર વિભાગ અને રાષ્ટ્રીય તાલીમ વિભાગની પણ રચના કરશે.
પાર્ટી તેના તમામ ખાલી હોદ્દો 90થી 120 દિવસની મર્યાદા ભરશે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી રાજકીય પડકારો અંગે વિચારવિમર્શ કરવા સીડબલ્યુસીના સભ્યોમાંથી એક સલાહકાર ગ્રૂપની પણ સ્થાપના કરશે.