. (Photo Courtesy: Kidambi Srikanth Twitter/ ANI Photo)

ભારતના ઐતિહાસિક ક્રિકેટ વર્લ્ડ કપ વિજયની યાદ અપાવતા બેડમિંટનમાં દેશના પુરૂષ ખેલાડીઓની ટીમે રવિવારે થોમસ કપ બેડમિંટન સ્પર્ધાની ફાઈનલમાં 14 વખત વિજેતા રહી ચૂકેલા ઈન્ડોનેશિયાને હરાવી સૌપ્રથમવાર આ કપ હાંસલ કર્યો હતો. 1983ના ક્રિકેટ વર્લ્ડ કપની માફક જ થોમસ કપમાં પણ ભારતે પહેલી જ વાર સેમિફાઈનલમાં અને ફાઈનલમાં પ્રવેશની સાથે જ ચેમ્પિયન બન્યું હતું. 14 વખતના ચેમ્પિયન ઈન્ડોનેશિયાને ભારતના લક્ષ્ય સેન અને કિદામ્બી શ્રીકાંતે સિંગલ્સમાં તેમજ ચિરાગ – સાત્વિકની જોડીએ ડબલ્સમાં હરાવી 3-0થી સીધી ગેમ્સમાં વિજયધ્વજ ફરકાવ્યો હતો. થોમસ કપના 73 વર્ષના ઈતિહાસમાં 72 વર્ષ સુધી તો ફક્ત પાંચ ટીમો વચ્ચે જ વિજેતાનો તાજ ફરતો રહ્યો હતો, ભારત આ કપ હાંસલ કરનારી માત્ર છઠ્ઠી ટીમ બની છે. આ વર્ષે ભારતની કપ સુધીની યાત્રા યાદગાર રહી હતી, જેમાં ખેલાડીઓએ ક્વાર્ટર ફાઈનલમાં મલેશિયા, સેમિફાઈનલમા ડેન્માર્ક અને ફાઈનલમાં ઈન્ડોનેશિયાને હરાવ્યું હતું.

થાઈલેન્ડના બેંગકોકમાં રમાઈ ગયેલી સ્પર્ધામાં યુવા સ્ટાર શટલર લક્ષ્ય સેને વિજયી આરંભમાં એન્થોની જિન્ટિંગને 8-21સ 21-17, 21-16થી હરાવ્યો હતો. એ પછી ડબલ્સમાં ચિરાગ શેટ્ટી – સાત્વિક સાઈરાજ રાન્કીરેડ્ડીની જોડીએ મોહમમ્દ અહસાન – કેવિન સુકામુલ્જોને વધારે સંઘર્ષમય મુકાબલામાં 18-21, 23-21, 21-19થી હરાવી સ્કોરલાઈન 2-0 કરી દીધી હતી. નિર્ણાયક સિંગલ્સમાં પીઢ સ્પર્ધક કિદામ્બી શ્રીકાંતે જોનાટન ક્રિસ્ટીને સીધી ગેમ્સમાં 21-15, 23-21થી હરાવી ફાઈનલ ઉપર ભારતની મહોર મારી દીધી હતી.

ઈન્ડોનેશિયા 21મી ફાઈનલમાં સાતમીવાર રનર્સઅપ રહ્યું હતું. કપ વિજેતા અન્ય દેશોમાં ચીને 10, મલેશિયાએ પાંચ, ડેન્માર્ક, જાપાન અને ભારતે એક-એકવાર કપ હાંસલ કર્યો છે. સાઉથ કોરીઆ, થાઈલેન્ડ અને અમેરિકા રનર્સઅપ જ રહ્યા છે.

ભારતનો આ વર્ષે ચેમ્પિયન બનવા સુધીનો રેકોર્ડ એવો છે કે, ગ્રુપ સ્ટેજમાં તેણે જર્મની, કેનેડાને 5-0થી હરાવ્યા હતા, તો તાઈપેઈ સામે 2-3થી પરાજય થયો હતો. એ પછી ક્વાર્ટર ફાઈનલમાં મલેશિયા સામે 3-2થી, સેમિફાઈનલમાં ડેન્માર્ક સામે પણ 3-2થી અને આખરે ફાઈનલમાં 3-0થી વિજય થયો હતો.