ન્યૂયોર્કના બુફેલા સુપરમાર્કેટમાં ગોળીબારની ઘટનાના એક દિવસ બાદ અમેરિકામાં રવિવારે ગોળીબારની 2 ઘટનાઓ બની હતી. ટેક્સાસના હેરિસ કાઉન્ટીના માર્કેટ અને કેલિફોર્નિયાના એક ચર્ચમાં ગોળીબાર થયો હતો. હેરિસ કાઉન્ટીમાં 2 લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા હતા જ્યારે કેલિફોર્નિયા ખાતે ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું અને 5 અન્ય ઘાયલ થયા હતા. આ સહિત અમેરિકામાં 2 દિવસમાં ફાયરિંગની 3 ઘટના બની હતી.
અમેરીકાના ટેક્સાસ અને કેલિફોર્નિયા ખાતે રવિવારે થયેલા ગોળીબારમાં 3 લોકોના મોત થયા હતા. આ બંનને ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા. કેલિફોર્નિયામાં બનેલી ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં 2 લોકોના મોત થયા હતા, જ્યારે 5 અન્ય ઘાયલ થયા છે. હેરિસ કાઉન્ટી શેરિફના જણાવ્યા અનુસાર, કમાન્ડ સ્ટાફે વિસ્તારને ઘેરી લીધો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે અહીં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
પોલીસે જણાવ્યું છે કે, અચાનક બે જૂથો વચ્ચે ગોળીબાર શરૂ થઈ ગયો હતો ત્યારબાદ ભાગદોડ મચી ગઈ હતી. લોકો પોતાને બચાવવા દોડવા લાગ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. કેલિફોર્નિયામાં બનેલી ઘટના અંગે માહિતી આપતા પોલીસે કહ્યું હતું કે, એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ બંને ઘટનાઓ ન્યૂયોર્કના બુફેલા સુપરમાર્કેટમાં ગોળીબારની ઘટનાના એક દિવસ બાદ બની હતી. ન્યૂયોર્કની ઘટનામાં દસ લોકો માર્યા ગયા હતા. આ ઘટના પર અમેરિકી પ્રેસિડન્ટ જો બિડેને ખેદ વ્યક્ત કરતા આવી ઘટનાઓ પર રોક લગાવવા માટે અપીલ કરી છે. અમેરિકામાં ગન કલ્ચર દર વર્ષે સેંકડો લોકોના મોત કરે છે. અત્યાર સુધીમાં માત્ર ચાલુ વર્ષમાં જ અમેરિકામાં એક ડઝનથી વધુ ગોળીબારની ઘટનાઓ બની છે.