(ANI Photo)

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનો કોર્ટના આદેશને આધારે ત્રણ દિવસનો સરવે કરવામાં આવ્યો હતો. આ સરવે દરમિયાન સંકુલમાંથી એક શિવલિંગ મળ્યું હોવાનો હિન્દુ પક્ષના વકીલે દાવો કર્યો હતો. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈન દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે કૂવાની અંદર કરવામાં આવેલા સરવે દરમિયાન એક શિવલિંગ મળી આવ્યું છે. સરવેના તારણો હવે મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

જ્ઞાનવાપી મસ્જિદ પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરની નજીક આવેલી છે અને મહિલાઓને આ ગ્રૂપમાં મસ્જિદ સંકુલમાં રહેલી મૂર્તિઓની દરરોજ પૂજા કરવાની માગણી સાથે કોર્ટમાં અરજી કરી હતી. આ પછી કોર્ટે વીડિયોગ્રાફી સાથે મસ્જિદનો સરવે કરવાનો આદેશ આપ્યો હતો.

અગાઉ સરવે માટેની ટીમ જ્ઞાનવાપી મસ્જિદની અંદર જઈ રહી હતી ત્યારે ટીમના મુસ્લિમોએ સરવેનો વિરોધ કર્યો હતો. આ પછી પોલીસની હાજરીમાં ત્રણ દિવસનો સરવે કરાયો હતો. સરવે માટેની ટીમ સોમવારે નંદીની સામે રહેલા કૂવા તરફ આગળ વધી હતી. કૂવામાં વોટર રેઝિસ્ટેન્ટ કેમેરા નાખીને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. અગાઉ રવિવારના રોજ થયેલા સર્વેમાં પશ્ચિમી દીવાલ, નમાજ સ્થળ, વજૂ સ્થળ ઉપરાંત ભોંયરાનો સરવે કરવામાં આવ્યો હતો.

કોર્ટે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે ગત 12મી મેના રોજ મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે માટે નિયુક્ત કરવામાં આવેલા એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રાને હટાવવાનો ઈનકાર કરી દીધો હતો.