રાજકોટના જેતપુરમાંથી પ્રેમી સાથે ભાગી ગયેલી એક પરણિત મહિલાના કાન, નાક કાપીને માથે મુંડન કરવામાં આવ્યું હતું. પ્રેમીના માથે પણ મુંડન કરી નાખ્યુ અને ડામ આપવામાં આવ્યા હતા. પ્રેમીને 9 કલાક સુધી મૂઢ માર માર્યો હતો. અસહ્ય ત્રાસથી પ્રેમીપંખીડાની હાલત ગંભીર બનતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જેતપુરના પીઠડિયા ટોલ નાકા રહેતી પરિણિત મહિલાના કુંવારા યુવક સાથે પ્રેમ સંબંધ હતા. જે બાદ મહિલા તેના પ્રેમીને લઈને ભાગી ગઈ હતી. આ વાતની જાણ પરિણિતાના સગા વ્હાલાઓને થતા તેઓએ પ્રેમીપંખીડાની શોધખોળ હાથ ધરી હતી. પ્રેમીપંખીડા ભાગીને અમદાવાદ આવી ગયા હતા. આ દરમિયાન મહિલાને પોતાના બાળકોની યાદ આવતા તેઓ મળવા માટે પરત આવ્યા હતા અને મહિલાના સાસરીયાઓ દ્વારા ઝડપાઈ ગયા હતા.મહિલાના સાસરીવાળાના આઠથી દસ લોકોએ પ્રેમીપંખીડાને ઢોર માર માર્યો હતો.તેમનો ગુસ્સો આટલે જ શાંત ન થયો. મહિલાના સાસરીયાઓએ પ્રેમીપંખીડાને તાલિબાની સજા આપી હતી. તેઓએ મહિલાના નાક, કાન કાપી નાખ્યા હતા અને માથે મુંડન કરી નાખ્યું હતું. સાથે જ તેના પ્રેમીના માથે પણ મુંડન કરી નાખ્યુ હતુ અને ડામ આપ્યા હતા.