Hardik Patel won by 50,000 votes from Viramgam seat
હાર્દિક પટેલ (ફાઇલ ફોટો. (ANI Photo)

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરી ચૂકેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે આખરે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. ગુજરાત વિધાનસભાની ડિસેમ્બરમાં ચૂંટણી પહેલા આગામી સપ્તાહે હવે હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી જોરદાર અટકળો છે.

28 વર્ષના હાર્દિકે કોંગ્રેસમાંથી પોતાના રાજીનામાનો પત્ર ટ્વીટર પર શેર કર્યો હતો. તેણે લખ્યું છે કે તે હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છે. હાર્દિકે થોડા દિવસો પહેલા પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પરથી કોંગ્રેસના હોદ્દાનો ઉલ્લેખ દૂર કર્યો હતો. તાજેતરમાં જ હાર્દિક રાહુલ ગાંધી સાથે એક કાર્યક્રમમાં સ્ટેજ પર જોવા મળ્યો હતો, પરંતુ રાહુલે તેની ધરાર અવગણના કરી હતી. કોંગ્રેસ હાઇકમાન્ડ ઉદયપુર ખાતેની કોંગ્રેસની ચિંતન શિબિરમાં પણ આ યુવા નેતાને આમંત્રણ ન આપ્યું હોવાનું માનવામાં આવે છે.

હાર્દિકે સોનિયા ગાંધીને સંબોધીને લખેલા પત્રમાં આક્ષેપ કર્યો છે કે તેના અનેક પ્રયાસો બાદ પણ કોંગ્રેસ દ્વારા દેશહિત અને સમાજ હિતથી બિલકુલ વિપરિત કાર્ય કરવામાં આવી રહ્યું છે. તેણે લખ્યું છે કે દેશના યુવા એક સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઇચ્છે છે, જ્યારે છેલ્લાં ત્રણ વર્ષમાં કોંગ્રેસ માત્ર વિરોધની રાજનીતિ પૂરતી મર્યાદિત રહી ગઈ છે. રામ મંદિર, NRC-CAA, કલમ 370 હટાવવા તેમજ GST લાગુ કરવાની બાબતોનો ઉલ્લેખ કરતા હાર્દિકે કહ્યું છે કે દેશ લાંબા સમયથી આ મુદ્દાનું સમાધાન ઈચ્છતો હતો. જ્યારે કોંગ્રેસ તેમાં એક અવરોધ બનવાનું કામ કરતી રહી. આ સિવાય હાર્દિકે કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના મુદ્દાને નબળા બનાવ્યા હોવાનો આક્ષેપ પણ હાર્દિકે પોતાના રાજીનામામાં કર્યો છે.

2015માં થયેલા પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો બનેલા હાર્દિક પટેલે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. તે વખતે તે કોઈ પક્ષ સાથે જોડાયેલો નહોતો, પરંતુ પાટીદાર આંદોલનથી ભાજપને મોટું નુક્સાન ભોગવવું પડ્યું હતું અને પક્ષ 99 બેઠકો પર સમેટાઈ ગયો હતો. 2019ની લોકસભા ચૂંટણી અગાઉ હાર્દિકે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. રાહુલ ગાંધીની હાજરીમાં તે પક્ષમાં જોડાયો હતો અને 2019ની લોકસભા ચૂંટણી લડવા માટે તેણે ઘણા પ્રયાસ કર્યા હતા પરંતુ વિસનગરના કેસમાં સજા પડી ચૂકી હોવાથી તેને તાત્કાલિક રાહત ના મળી શકતા તેના ચૂંટણી લડવાના અરમાન અધૂરા રહી ગયા હતા.

વિસનગરના કેસમાં થયેલી સજા પર ઉપલી કોર્ટે સ્ટે આપી દેતા હાર્દિક માટે હાલ ચૂંટણી લડવાનો રસ્તો સાફ થઈ ચૂક્યો છે. તે પોતે પણ જાહેરમાં કહી ચૂક્યો છે કે તે વિધાનસભા ચૂંટણી લડવા ઈચ્છે છે અને 2024માં આવતી લોકસભા ચૂંટણી લડવાની પણ તેની પૂરી ઈચ્છા છે. જોકે, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક ભાજપમાં ક્યારે જોડાય છે અને ત્યારબાદ પણ તેને ટિકિટ મળે છે કે તેનો જવાબ કદાચ હાલ હાર્દિક પટેલ પાસે પણ નથી.