મહંમદ પયગંબર સાહેબ અંગે ભાજપના બે નેતાઓએ કરેલી વિવાદાસ્પદ ટીપ્પણીના ઇસ્લામિક દેશોમાં પડઘા પડ્યા હતા. કતાર અને કુવૈતે રવિવારે ભારતીય રાજદૂતોને સમન કર્યા હતા અને સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. કતારે ભારત સરકાર તરફથી જાહેર માફી અને આવી ટીપ્પણીની સખત નિંદાની માગણી કરી હતી. ખાડીના દેશોના ટ્વીટર યુઝર્સે ભારતની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાની ઝુંબેશ ચાલુ કરી હતી.
વ્યાપક વિરોધને પગલે ભાજપને તેના સત્તાવાર પ્રવક્તા નુપૂર શર્મા સસ્પેન્ડ કરવાની અને નવીન જિંદલની પક્ષમાંથી હકાલપટ્ટી કરવાની ફરજ પડી હતી.આ બંને ગલ્ફ દેશોએ વિવાદાસ્પદ ટીપ્પણીની સખત નિંદા કરી હતી. કતાર ખાતેના ભારતીય દુતાવાસે જણાવ્યું હતું કે રાજદૂતે સ્પષ્ટ કર્યું છે કે આ ટ્વીટ્સ કોઇપણ રીતે ભારત સરકારનો અભિપ્રાય વ્યક્ત કરતાં નથી. તે અમુક તત્વોના વિચારો છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે કતાર ખાતેના ભારતીય રાજદૂત દીપક મિત્તલે વિદેશ ઓફિસમાં બેઠક કરી હતી, જેમાં ધાર્મિક રીતે પૂજનીય વ્યક્તિનું અપમાન થાય તેવા ભારતના લોકોએ કરેલા ટ્વીટ અંગેનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકયા નાઇડુ હાલમાં કતારની મુલાકાતે છે અને રવિવારે કતારના વડાપ્રધાન અને ગૃહપ્રધાનને મળ્યા હતા.મંત્રાલયે જણાવ્યું હતું કે કતારના રાજ્ય કક્ષાના વિદેશ પ્રધાન સુલ્તાન બિન સાદ અલ મુરૈખીએ ભારતીય રાજદૂતને વિરોધ નોટ સુપરત કરી હતી. તેમાં ભારતની સત્તાવારી પાર્ટીએ જારી કરેલા એવા નિવેદનને આવકારવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના નેતાઓને સસ્પેન્ડ કરવાની જાહેરાત થઈ છે. કતાર ભારત સરકાર દ્વારા આ ટીપ્પણી માટે જાહેર માફીની અને તાકીદે નિંદાની અપેક્ષા રાખે છે. ભારતીય દુતાવાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અપમાનજનક ટીપ્પણી કરનારા સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. ભારત-કતાર સંબંધો વિરુદ્ધના સ્થાપિત હિતો આવી અપમાનજક ટીપ્પણીઓનો ઉપયોગ કરીને લોકોને ભડકાવી રહ્યાં છે. દરમિયાન કુવૈતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કુવૈત ખાતેના ભારતીય રાજદૂતને સમન્સ કરવામાં આવ્યા હતા અને વિરોધ કરવામાં આવ્યો હતો. કુવૈતે પણ સત્તાધારી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટીપ્પણીનો વિરોધ કર્યો હતો અને તેની આકરી નિંદા કરી હતી.
આ વિવાદાસ્પદ ટીપ્પણીને કારણે આરબ જગતમાં ટ્વીટર યુઝર્સે ભારતીય પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવનાની ઝુંબેશ ચાલુ કરી હતી. કતાર વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે કોઇ સજા વગર આવા ઇસ્લામફોબિક ટીપ્પણીને મંજૂરી આપવાથી માનવાધિકાર સામે ગંભીર ખતરો ઊભો થાય છે અને તેનાથી મુસ્લિમ ધર્મ અંગે વધુ પૂર્વગ્રહ ફેલાઈ શકે છે.