મહંમદ પયગંબર સાહેબ અંગે વિવાદાસ્પદ ટીપ્પણી બદલ ભાજપ તેના પ્રવક્તા નુપુર શર્માને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. (ફાઇલ ફોટો (PTI Photo/Manvender Vashist)

જ્ઞાનવાપી મસ્જિદ અંગેની ટીવી ડિબેટમાં મોહમ્મદ પયગંબર સાહેબ અંગે વિવાદાસ્પદ ટીપ્પણીના દેશભરમાં ભારે વિરોધ બાદ ભાજપે રવિવારે પોતાના નેતાઓ સામે કાર્યવાહી કરી હતી. પાર્ટીએ તેના પ્રવક્તા નુપુર શર્માને સસ્પેન્ડ કર્યા છે અને દિલ્હી મીડિયા પ્રમુખ નવીન કુમાર જિંદાલના પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે. આ વિવાદસ્પદ ટીપ્પણી બાદ યુપીના કાનપુરમાં હિંસા ભડકી હતી, જેમાં 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ નિવેદનોના વિદેશમાં પણ પડઘા પડ્યા હતા અને ખાડીના દેશોના ટ્વીટર યુઝર્સે ભારતની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાની ઝુંબેશ ચાલુ કરી હતી.
ભાજપના દિલ્હી પ્રદેશ મીડિયા પ્રમુખ નવીન કુમાર જિંદાલને બરખાસ્ત કરતાં પત્રમાં પક્ષે જણાવ્યું હતું કે તમે સોશિયલ મીડિયામાં સાંપ્રદાયિક સદભાવના ખોરવાઈ જાય તેવા અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. તે ભાજપની મૂળ વિચારધારાની વિરુદ્ધમાં છે. નુપુર શર્માના માટે જારી કરેલા પત્રમાં જણાવાયું છે કે તમે પાર્ટીની વિચારધારાની વિરુદ્ધ હોય તેવી ટીપ્પણી કરી છે, જે પાર્ટીના બંધારણના નિયમ 10 (એ)ના વિરુદ્ધમાં છે. આ સમગ્ર મામલાની તપાસ ન થાય ત્યાં સુધી તમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.

આ પહેલા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહે જણાવ્યું હતું કે ભાજપ કોઇ પણ ધર્મના ભગવાનના અપમાનનો સ્વીકાર કરી શકે નહીં. કોઇ પણ ધર્મ-સંપ્રદાયની ભાવના દુભાય તેવા તેવા નિવેદનોને સ્વીકારી શકાય નહીં. મુખ્યાલય પ્રભારીએ રવિવારે જારી કરેલા પત્રમાં જણાવાયું હતું કે ભારતના હજારો વર્ષોના ઇતિહાસમાં દરેક ધર્મ ફુલ્યાફાલ્યા છે. ભારતીય જનતા પાર્ટી તમામ ધર્મોનું સન્માન કરે છે. ભાજપ કોઇ પણ ધર્મના કોઇપણ ધાર્મિક વ્યક્તિના અપમાનની આખરી નિંદા કરે છે. કોઇપણ ધર્મ કે સંપ્રદાયનું અપમાન કરે તેવી વિચારધારાનો ભાજપ સખત વિરોધ કરે છે. ભાજપ આવી કોઇ વિચારધારાનો પ્રચાર કરતો નથી.

બીજી તરફ મુંબઈ પોલીસે નુપુર શર્મા સામે કેસ દાખલ કર્યો છે. રઝા અકાદમીના મુંબઈ પાંખના સંયુક્ત સચિવ ઇરફાન શેખની ફરિયાદને આધારે આ પ્રાથમિક કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે નુપુર શર્માએ જ્ઞાનવાપી મુદ્દા પરની ટીવી ડિબેટમાં પયંગબર મહંમદ અંગે વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. એ રીતે નવીન જિંદાલે કથિત રીતે દેશના હિતની વિરુદ્ધમાં ટ્વીટ કર્યું હતું.

અહીં ઉલ્લેખ છે કે નુપુર શર્મા અને નવીન જિંદાલની ટીપ્પણીઓ બાદ ખાડી દેશોના અનેક ટ્વીટર યુઝર્સે ભાજપમાં ઉત્પાદિત વસ્તુઓનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું હતું. કેટલાંક ટ્વીટર યુઝર્સે માગણી કરી હતી કે આવા નેતાઓને જેલમાં પૂરી દેવા જોઇએ. જો આવા પગલાં લેવામાં નહીં આવે તો અમે રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનો કરીશું.

આખો મામલો શું હતો

જ્ઞાનવાપી મસ્જિદ અંગેની તાજેતરમાં ટીવી ડિબેટમાં ભાજપના પ્રવક્તા નુપુર શર્માએ પયગંબર સાહેબ અંગે કથિત રીતે અપમાનજનક ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણીનો દેશભરમાં ભારે વિરોધ થયો હતો અને કાનપુરમાં હિંસા ભડકી હતી. નુપુર શર્મા સામે ધાર્મિક ભાવનાને દુભાવવાનો, દ્વેષભાવ ફેલાવાનો અને બીજા ધર્મ સામે ટીપ્પણી કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યા હતા.