લોર્ડ મોહમદ શેખના પુસ્તક ‘એન ઇન્ડિયન ઇન ધ હાઉસ’નું શાનદાર વિમોચન લોર્ડ મેઘનાદ દેસાઇ અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતીમાં નેહરુ સેન્ટર, લંડન ખાતે તા. 26મી મે 2022 રોજ કરાયું હતું. આ પુસ્તક ભારતને પ્રથમ વખત બ્રિટિશ સંસદમાં લાવનારા ચાર ટ્રેલબ્લેઝર્સ દાદાભાઈ નવરોજી, મંચેરજી ભાવનગરી, શાપુરજી સકલાતવાલા અને સત્યેન્દ્ર સિંહાના જીવન અને સમય સાથે સંબંધિત છે.

યુનાઈટેડ કિંગડમમાં સંસદીય કાર્યાલય હાંસલ કરનાર પ્રથમ ચાર ભારતીય નેતાઓમાંથી ત્રણ તો અલગ-અલગ પક્ષોની ટીકીટ પર પોતાના વિસ્તારમાંથી ચૂંટાઇને સાંસદ બન્યા હતા. જ્યારે સત્યેન્દ્ર સિંહાની હેરીડીટરી પીઅર વરણી કરાઇ હતી અને તેમણે વેસ્ટમિન્સ્ટરમાં મંત્રી પદ પ્રાપ્ત કર્યું હતું.

લોર્ડ શેખે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતુ કે ‘’આ પુસ્તક જેમના વિષે લખાયું છે તે ચાર ટ્રેલબ્લેઝર્સને ટ્રીબ્યુટ છે. હું જ્યારે લોર્ડ બન્યો ત્યારે મેં પાર્લામેન્ટમાં ત્રણ એમપીના પોટ્રેટ તો જોયા હતા પણ શ્રી સિન્હાનું ચિત્ર ન જોતાં સત્તાવાળોને તાકીદ કરી હતી. મારુ આ પુસ્તક કોઇ પાર્ટી કે પોલીટીકલ એજન્ડાથી પ્રેરિત નથી. દાદાભાઇ છેક 1892માં લીબ ડેમના ઉમેદવાર તરીકે લંડનના ફિન્સબરી સેન્ટ્રલમાંથી ચૂંટાયા હતા. તેમણે જ ભાવનગરીને ચૂંટણી લડવા મદદ કરી હતી. સિન્હા કદી પોલીટિકલ  લીડર નહોતા પરતુ તેઓ ખૂબ જ ચતુર અને મુત્સદી હતા. આ પુસ્તકમાં ચાર પાયોનિયર વિષે મીહિતી આપવામાં આવી છે.‘’

લોર્ડ મેઘનાદ દેસાઇએ પુસતકનું વિમોચન કરતાં જણાવ્યું હતું કે ‘’આજે આપણે રાણીની પ્લેટિનમ જ્યુબીલીની ઉજવણી કરવા જઇ રહ્યા છે ત્યારે આ ખૂબ જ મહાન સિધ્ધી છે. બ્રિટન મલ્ટીરેશનલ દેશ છે અને આ ચાર નેતાઓ ઘણાં વર્ષો પહેલા અહિં એમપી રહી ચૂક્યા છે. આજની કેબિનેટ જુઓ તો ચાન્સેલર, હોમ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી અને એજ્યુકેશન મિનિસ્ટર તમને વંશીય જોવા મળી શકે છે. ઘણાં માઇગ્રન્ટના બાળકોએ ઉંચા પદ હાંસલ કર્યા છે. બ્રિટન દ્વારા ભારત સાથે ખૂબ જ અલગ સરસ વર્તાવ કરાયો છે. આ પુસ્તક અદ્વિતીય છે. દાદાભાઇ અને મંચેરજી ખૂબ જ પ્રભાવશાળી લોકો હતા તો સકલાતવાળા મજદૂરો માટે વિચારતા કોમ્યુનિસ્ટ હતા. તો લોર્ડ સિન્હા મિનિસ્ટર ઓફ ક્રાઉન હતા. જલિયાનવાલા બાગ હત્યાકાંડ વખતે પાર્લામેન્ટમાં ગવર્નર વતી જવાબ આપતા તેમણે કહ્યું હતું કે આ હત્યાકાંડ ટાળી શકાય તેવો હતો.’’

લોર્ડ દેસાઇએ જણાવ્યું હતું કે ‘’આપણે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે અહિં આપણે બ્રિટીશ પોલિટીક્સ માટે છીએ ભારતનું પ્રતિનિધિત્વ કરવા નહિં. બહુ સરસ પુસ્તક છે અને આશા છે કે લોર્ડ શેખ વઘુ પુસ્તકો લખશે.’’

ઝોરાસ્ટ્રીયન સેન્ટરના પ્રેસિડેન્ટ માલ્કમ  દાબુએ જણાવ્યું હતું કે ‘’1861માં યુકેમાં ઝોરાસ્ટ્રીયન સેન્ટરની સ્થાપના થઇ હતી અને આ ચાર નેતાઓમાંથી ત્રણ તેના સભ્યો હતા. દાદાભાઇ સંસ્થાના બીજા પ્રમુખ હતા. સકલાતવાલા લેબરમાંથી બેટરસી નોર્થ બેઠક પરથી જીત્યા હતા.’’

આ પ્રસંગે બ્રિટીશ શીખ એસોસિએશનના વાઇસ ચેરમેન સરદાર હરદયાલ લુથરે પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. પંજાબ રેસ્ટોરંટના એમડી અમ્રિત માને સૌનું સ્વાગત કર્યું હતું. પુસ્તકના વેચાણમાંથી મળેલી તમામ રકમ સેન્ટ ક્રિસ્ટોફર હોસ્પીસને દાનમાં આપવામાં આવી હતી. પુસ્તક વિમોચન પછી હળવો નાસ્તો પીરસવામાં આવ્યો હતો.