ભારત અને આયર્લેન્ડ વચ્ચેની બીજી ટી ટ્વેન્ટી મેચમાં આયર્લેન્ડના કેપ્ટન એન્ડ્રુ બાલબિર્ની અને ભારતના કેપ્ટન હાર્દિક પંડ્યા (ANI Photo)

આયર્લેન્ડ સામે રવિવારે ડબલિનમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતે 7 વિકેટે વિજય સાથે બે મેચની આ સીરીઝમાં 1-0ની સરસાઈ લીધી હતી. વરસાદના વિધ્નના કારણે મેચ ટુંકાવવી પડતા 12-12 ઓવરની મેચમાં ભારતે ટોસ જીતી આયર્લેન્ડને પહેલા બેટિંગ લેવા આમંત્રણ આપ્યું હતું. વાદળછાયા વાતાવરણમાં હજી તો આયર્લેન્ડની ઈનિંગ શરૂ જ થઈ હતી કે વરસાદ ખાબકતાં રમત બે કલાક 20 મિનિટ માટે અટકાવવી પડી હતી. એ પછી આયર્લેન્ડ તરફથી હેરી ટેક્ટરની આક્રમક અડધી સદીના પગલે યજમાન ટીમે ચાર વિકેટે 108 રન કર્યા હતા.

એ પહેલા જો કે, ભૂવનેશ્વર કુમારે પહેલી જ ઓવરમાં ઓપનર સુકાની એન્ડ્રુ બાલબિર્નીને રવાના કર્યો હતો અને 22 રનમાં તો આયર્લેન્ડની ત્રણ વિકેટ ખડી પડી હતી. પણ એ પછી ટેક્ટરની ઝંઝાવાતી બેટિંગના સહારે તેઓ ત્રણ આંકડામાં પહોંચી ગયા હતા.

109 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે રનરેટનો ટાર્ગેટ બરાબર નજરમાં રાખ્યો હતો અને તેમાં તે હંમેશા મોખરે રહ્યું હતું. દીપક હુડા અને ઈશાન કિશનની નવી ભારતીય ઓપનિંગ જોડીએ 2.3 ઓવરોમાં જ 30 રન સાથે સારી શરૂઆત કરી હતી. જો કે, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવની બે વિકેટ ભારતે ગુમાવતાં આયર્લેન્ડની વળતી લડત રંગ લાવી રહી હોય તેવું લાગતું હતું, પરંતુ દીપક હુડા અને સુકાની હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી લીધી હતી.

વિજયની મંઝિલે પહોંચતા પહેલા હાર્દિક પંડ્યા વિદાય થયો હતો પણ 9.2 ઓવર્સમાં ભારતે ત્રણ વિકેટે 111 રન કરી વિજય ધ્વજ લહેરાવી દીધો હતો. ત્રણ ઓવરમાં ફક્ત 11 રન આપી એક વિકેટ લેનારા યુઝવેન્દ્ર ચહલને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.