વિન્ચેસ્ટર કૉલેજમાં સીક્સ્થ ફોર્મમાં ભણતા વેસ્ટ હેમ્પશાયરના યુથ એમપી દેવ શર્માને બાળકો અને યુવાનો માટે જંક ફૂડની જાહેરાતો સામે લડવા માટેના કાર્ય બદલ યોર યુકે પાર્લામેન્ટ એવોર્ડ્સ 2022માં વોલંટિયર ઓફ ધ યર તરીકે પસંદ કરાયા છે.

સાંસદો, લોર્ડ્સ અને સ્વતંત્ર જજીસની પેનલ દ્વારા આ પુરસ્કારો સમગ્ર યુકેમાંથી પસંદ કરાયેલા વિજેતાઓને અપાય છે જેમણે યુકેની સંસદ સાથે સંલગ્ન રહીને કાર્ય કર્યું છે.  લોકડાઉન દરમિયાન, દેવે જંક ફૂડ અને ટેકવેઝ માટેની ઓનલાઈન જાહેરાતોમાં નોંધપાત્ર વધારો જોતા તેને રોકવા બિનઆરોગ્યપ્રદ ખોરાકને પ્રમોટ કરતી જાહેરાતોથી યુવાનોને બચાવવા માટે નીતિમાં ફેરફાર કરવા હેલ્થ સેક્રેટરીને પત્ર લખ્યો હતો. દેવે એક ખુલ્લો પત્ર લખી આ પ્રકારની જાહેરાતનો અંત લાવવા હાકલ કરી હતી અને દેશભરના યુવાનોને તેનું સમર્થન આપવા પ્રોત્સાહિત કર્યા હતા.

જુલાઈ 2021માં, યુકે સરકારે વધુ ચરબી, મીઠું અને ખાંડવાળા ખોરાકની જાહેરાતો રાત્રે 9 વાગ્યા પછી નહિં બતાવવા નવા નિયમો જાહેર કર્યા હતા, જે 2023ના અંતમાં અમલમાં આવશે.

તેમને 29 માર્ચે સંસદના સ્પીકર હાઉસમાં આયોજિત સમારોહમાં હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલે એનાયત કર્યો હતો.

દેવે કહ્યું, ‘મને સેંકડો યુવાનોના કાર્ય વતી આ પુરસ્કાર સ્વીકારતાં ગર્વ થાય છે. હેમ્પશાયરના તમામ યુવાનો માટે ખરેખર પરિવર્તન લાવવાનું લક્ષ્ય રાખું છું.’

દેવને બાઈટ બેક 2030 અને ધ ફૂડ ફાઉન્ડેશન, ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન, એક્ટ4ફૂડ ગ્લોબલ અને યુકે યુથ પાર્લામેન્ટ દ્વારા એવોર્ડ એનાયત કરાયા છે.