અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટેના રાજદૂત રાશદ હુસૈને ભારતમાં ધાર્મિક સમુદાયો સાથે થઈ રહેલા વ્યવહાર અંગે ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે વોશિંગ્ટન આ પડકારોનો ઉકેલ લાવવા માટે ભારતના અધિકારીઓ સાથે સીધા સંપર્કમાં છે..
ગુરુવારે વોશિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય (આઇઆરએફ) શિખર સંમેલનમાં સંબોધન કરતાં હુસૈને જણાવ્યું હતું કે તેમને પિતા 1969માં ભારતમાંથી અમેરિકા આવ્યા હતા. આ દેશે તેમને તમામ આપ્યું છે, પરંતુ તે ભારતને પ્રેમ કરે છે અને દરરોજની ઘટના પર નજર રાખે છે. મારા માતા-પિતા અને અમારી વચ્ચે આ અંગે ચર્ચા થાય છે.
તેમણે જણાવ્યું હતું કે ભારતમાં હવે સિટિઝનશિપ કાયદો છે. ભારતમાં નરસંહારની ખુલ્લી હાંકલ કરવામાં આવે છે, ચર્ચ પર હુમલો થાય છે, હિજાબ પર પ્રતિબંધ મૂકાયો છે, ઘરોને ધ્વંશ કરવામાં આવ્યા છે. જાહેરમાં એવા નિવેદનો કરવામાં આવી રહ્યાં છે કે જે અમાનવીય છે. એક પ્રધાન મુસ્લિમોને ઉંધઇ કહ્યાં હતા. અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના એક પ્રવચનમાં બાંગ્લાદેશી ઘુસણખારોને ઉંધઇ ગણાવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં એ મહત્ત્વનું છે કે અમે નોંધ લઈએ અને આપણી સામેના પડકારો માટે કામગીરી કરીએ. ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં માનવાધિકાર અને ધાર્મિક સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવવાની અમેરિકાની જવાબદારી છે.
અગાઉના અમેરિકાના વિદેશ વિભાગે પણ ધાર્મિક સ્વતંત્રતા અંગેના રીપોર્ટમાં ભારતની ટીકા કરી હતી. ભારતે આ રીપોર્ટને ફગાવી દીધો હતો અને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ વોટબેન્કની રાજનીતિ રમવામાં આવે છે.











