હેલ્થ સેક્રેટરી સાજિદ જાવેદ, ચાન્સેલર ઋષી સુનક અને વડા પ્રધાન બોરિસ જૉન્સન (ફાઇલ ફોટો (Photo by Leon Neal/Getty Images)

ભૂતપૂર્વ ડેપ્યુટી ચીફ વ્હીપ ક્રિસ પિન્ચર સામે ગેરવર્તણૂકના દાવાઓ અને તેને લગતા વિવાદ વચ્ચે ચાન્સેલર ઋષી સુનક અને હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે પોતાના મંત્રી પદથી રાજીનામા આપતા સમગ્ર દેશ ચોંકી ઉઠ્યો છે. સુનકે કહ્યું હતું કે ‘’જનતા અપેક્ષા રાખે છે કે સરકાર યોગ્ય રીતે, સક્ષમ અને ગંભીરતાથી વહીવટ કરે.” જ્યારે જાવિદે કહ્યું હતું કે ‘’વડા પ્રધાને મારો વિશ્વાસ ગુમાવ્યો છે.”

અમે મૂળભૂત રીતે ખૂબ જ અલગ છીએ: સુનક

વડા પ્રધાન જૉન્સનની કેબિનેટમાંથી રાજીનામું આપતાં પત્રમાં ચાન્સેલર ઋષી સુનકે જણાવ્યું હતું કે “જનતા યોગ્ય રીતે સરકાર સક્ષમ, સુયોગ્ય અને ગંભીરતાથી વહીવટ કરે તેવી અપેક્ષા રાખે છે. હું માનું છું કે આ ધોરણો લડવા માટે યોગ્ય છે અને તેથી જ હું રાજીનામું આપી રહ્યો છું. આપણો દેશ ભારે પડકારોનો સામનો કરી રહ્યો છે. હું જાહેરમાં માનું છું કે જનતા તે સત્ય સાંભળવા માટે તૈયાર છે. આપણાં લોકો જાણે છે કે જો કોઈ વસ્તુ ખૂબ સારી હોય તો તે સાચું નથી. તેમને એ જાણવાની જરૂર છે કે સારા ભવિષ્યનો માર્ગ છે તો તે જરાય સરળ નથી.’’

તેમણે જણાવ્યું હતું કે “આગામી અઠવાડિયે અર્થતંત્ર પરના અમારા સૂચિત સંયુક્ત ભાષણની તૈયારી ચાલતી હતી ત્યારે મારા માટે સ્પષ્ટ થઈ ગયું હતું કે અમારા અભિગમો મૂળભૂત રીતે ખૂબ જ અલગ છે. હું સરકાર છોડતાં દુઃખી છું પરંતુ હું અનિચ્છાએ આ નિષ્કર્ષ પર આવ્યો છું કે આપણે આ રીતે ચાલુ રાખી શકીએ નહીં.”

વડા પ્રધાન, તમે મારો વિશ્વાસ પણ ગુમાવી દીધો છે: સાજીદ જાવિદ

સાજીદ જાવિદે પોતાના રાજીનામાના પત્રમાં વડા પ્રધાન જૉન્સનને જણાવ્યું હતું કે ‘’પીએમએ મારો વિશ્વાસ ગુમાવી દીધો છે. આપણા દેશ માટે આવા નિર્ણાયક સમયે હેલ્થ એન્ડ સોસ્યલ સેક્રેટરી તરીકે સેવા આપવા માટે સરકારમાં પાછા આવવાનું મને કહેવામાં આવ્યું તે એક વિશેષાધિકાર હતો. અમે [કન્ઝર્વેટિવ પાર્ટી] હંમેશા લોકપ્રિય ન રહી શકીએ. પરંતુ આપણે રાષ્ટ્રીય હિતમાં કાર્ય કરવામાં સક્ષમ છીએ. દુર્ભાગ્યે, વર્તમાન સંજોગોમાં, જનતા તારણ આપે છે કે હવે અમે લોકપ્રિય રહ્યા નથી. ગયા મહિને લેવાયેલા વિશ્વાસના મતે દર્શાવ્યું હતું કે મોટી સંખ્યામાં અમારા સાથીદારો પણ તે સાથે સંમત છે. જો કે, મને એ જણાવતા ખેદ થાય છે કે અને હું સ્પષ્ટ છું કે તમારા નેતૃત્વમાં આ પરિસ્થિતિ બદલાશે નહીં અને તેથી તમે મારો વિશ્વાસ પણ ગુમાવી દીધો છે.”

મારી ભૂલ હતી અને હું સૌની માફી માંગુ છું: જૉન્સન

વડા પ્રધાન બોરિસ જૉન્સને જણાવ્યું છે કે ‘’ક્રિસ પિન્ચરને તેમના વર્તન અંગેની ફરિયાદોને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી ચીફ વ્હીપ બનાવવી તે તેમની “ભૂલ” હતી. પાછળથી આમ કરવું ખોટું છે અને જેઓ તેનાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે તે સૌની હું માફી માંગુ છું. લગભગ ત્રણ વર્ષ પહેલાં ક્રિસ પિન્ચર વિરુદ્ધ ફોરેન ઑફિસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે ફરિયાદ ક્લીયર થઇ ગઇ હતી, તેમણે માફી માંગી લીધી હતી. મારી સમક્ષ તેની રજૂઆત કરાઇ હતી. જો મારી પાસે ફરીથી સમય હોત તો હું તેના પર ફરીથી વિચાર કરત. પણ મને લાગે છે કે તે કોઈ લેસન શીખશે નહીં કે બદલાશે નહીં.”દારૂના નશામાં ખાનગી સભ્યોની ક્લબમાં બે પુરુષો સાથે છેડછાડ કરવાના આરોપ બદલ પિન્ચરને ગયા અઠવાડિયે ટોરી સાંસદ તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આજે એવું બહાર આવ્યું છે કે વડા પ્રધાનને ક્રિસ પિન્ચર વિશે કરવામાં આવેલી ફરિયાદ વિશે રૂબરૂમાં માહિતી આપવામાં આવી હતી. જ્યારે નંબર 10એ અગાઉ કહ્યું હતું કે પીએમ પિન્ચર વિશે અગાઉના આક્ષેપોથી વાકેફ નથી. જૉન્સન જ્યારે ફોરેન સેક્રેટરી હતા ત્યારે પિન્ચર જુનિયર ફોરેન ઓફિસ મિનિસ્ટર હતા.

બીબીસીએ ફોરેન ઓફિસમાં ફરિયાદ અંગેની ટિપ્પણી માટે પિન્ચરનો સંપર્ક કરતાં તેમણે જાતીય ગેરવર્તણૂકના અગાઉના આરોપોને નકારી કાઢ્યા હતા. તો જૉન્સને ક્રિસ પિન્ચરને ડેપ્યુટી ચીફ વ્હીપ બનાવવા બદલ માફી માંગી ડેપ્યુટી ચીફ વ્હીપ બનાવવા બદલ પસ્તાવો વ્યક્ત કર્યો છે.

કેબિનેટે પીએમને હટાવવા જોઈએ: સ્ટાર્મર

લેબર નેતા સર કેર સ્ટાર્મરે પત્રકારોને કહ્યું હતું કે મિનિસ્ટર્સે વડા પ્રધાન બોરિસ જૉન્સનને પદ પરથી હટાવવા માટે રાષ્ટ્રીય હિતમાં કાર્ય કરવું જોઈએ. વડા પ્રધાને રાજીનામું આપવું જોઈએ અથવા તેમને રાજીનામું આપવા દબાણ કરવું જોઈએ.

લેબર નેતા સર સ્ટાર્મરે જણાવ્યું હતું કે “તમામ વિવાદો, કૌભાંડો અને નિષ્ફળતા પછી સ્પષ્ટ છે કે આ સરકાર હવે તૂટી રહી છે. વડા પ્રધાને તેમની ઓફિસની બદનામી કરી હતી. ટોરી કેબિનેટના બધા મિનિસ્ટર્સ જાણે છે કે આ વડાપ્રધાન કોણ છે. તેઓ આ સોરી સાગા દરમિયાન તેમના ચીયરલીડર્સ રહ્યા છે. બ્રિટિશ જનતાને મૂર્ખ બનાવી શકાશે નહીં. ટોરી પાર્ટી ભ્રષ્ટ છે અને એક માણસને બદલવાથી તે ઠીક થશે નહીં. માત્ર સરકારનું વાસ્તવિક પરિવર્તન બ્રિટનને જેની જરૂર છે તે નવી શરૂઆત આપી શકે છે.”

હવે તો જાવ: લિબ ડેમ નેતા સર એડ ડેવી

લિબરલ ડેમોક્રેટ્સના નેતા સર એડ ડેવીએ ટ્વીટ કર્યું છે કે વડા પ્રધાને હવે જવું જોઈએ. સર એડે ટ્વિટર પર લખ્યું હતું કે “તમે અમારા મહાન દેશને લાંબા સમય સુધી બદનામ કર્યો છે.”

વડા પ્રધાનની સાથે રહેનારા મિનિસ્ટર્સની યાદી

ફોરેન સેક્રેટરી: લિઝ ટ્રસ
બિઝનેસ સેક્રેટરી: ક્વાસી ક્વાર્ટેંગ
ડીફેન્સ સેક્રેટરી: બેન વોલેસ
હોમ સેક્રેટરી: પ્રીતિ પટેલ
જસ્ટીસ સેક્રેટરી: ડોમિનિક રાબ
ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી: એની-મેરી ટ્રેવેલિયન
બ્રેક્ઝિટ ઓપોર્ચ્યુનિટી મિનિસ્ટર: જેકબ રીસ-મોગ
સ્કોટલેન્ડ સેક્રેટરી: એલિસ્ટર જેક
નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી: બ્રાન્ડોન લેવિસ
વેલ્સ સેક્રેટરી: સિમોન હાર્ટ