ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં પરિસ્થિતિ વિકટ બની રહી છે. શનિવારે લોકોએ કોલંબોમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન પ્રેસિડેન્ટ હાઉસ પર કબ્જો કરી લીધો હતો. લોકોના એક જૂથે રાષ્ટ્રપતિ ભવન ઉપર હલ્લાબોલ કરતા ગોટાબાયા રાજપક્ષેને ઘર છોડીને ભાગવાની ફરજ પડી હતી. સૂત્રોના મતે ગોટાબાયા રાજપક્ષેએ દેશ પણ છોડી દીધો હોવાની અટકળો છે.
શ્રીલંકાના ભૂતપૂર્વ વડાપ્રધાન મહિંદા રાજપક્ષેએ થોડા સમય પૂર્વે જ રાજીનામું આપી દીધું હતું અને તેમને આગચંપી અને હિંસક દેખાવકારોથી બચવા માટે પરિવાર સહિત ઘર છોડવાની ફરજ પડી હતી. સ્થાનિક મીડિયા અને લશ્કરી સૂત્રોના મતે પ્રદર્શનકારીઓ પ્રેસિડેન્ટ હાઉસની અંદર ઘૂસી ગયા હતા અને હાઉસ પર કબ્જો જમાવ્યો છે.
સરકાર વિરોધી આક્રોશમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ પ્રેસિડેન્ટ હાઉસ પહોંચ્યા હતા. મોટાપાયે એકત્ર થયેલી ભીડને રોકવા માટે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું પરંતુ ટોળોનો આક્રોશ એટલો હતો કે કોઈ અધિકારી તેમને રોકવા હિંમત કરી શક્યો નહતો. લોકો બેરિકેડ્સ તોડીને પ્રેસિડેન્ટ હાઉસના મુખ્ય દ્વાર પર પહોંચ્યા હતા અને પોલીસને આ વિસ્તામાંથી પીછેહઠ કરવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા પરંતુ બેકાબૂ ટોળાએ પ્રેસિડેન્ટ હાઉસની અંદર કબ્જો કરી લીધો હતો. ઘર્ષણને પગલે બે પોલીસ જવાન સહિત 30 વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જણાયું છે. ઈજાગ્રસ્તોને કોલંબોની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ સ્થિતિ પર ચર્ચા કરવા માટે તાત્કાલિક સમાધાન માટે પાર્ટીના નેતાઓની ઈમર્જન્સી બેઠક બોલાવી છે. તેઓ સ્પીકરને સાંસદોને બોલાવવાનો અનુરોધ પણ કરી રહ્યા છે. દેખાવકારો માર્ચ મહિનાથી જ રાજપક્ષેના રાજીનામાંની માંગ કરી રહ્યા છે. મેમાં તત્કાલીન વડાપ્રધાન મહિંદા રાજપક્ષેના રાજીનામા બાદ શ્રીલંકા ભડકે બળ્યું હતું.