પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

£37 બિલિયનના કોસ્ટ ઓફ લિવિંગ સપોર્ટ પેકેજના ભાગરૂપે યુકેમાં રહેતા દર ચારમાંથી એક પરિવારને આ જુલાઈમાં £326નો પ્રથમ હપ્તો આપવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી છે. £324ની ચુકવણીનો બીજો ભાગ આ વર્ષના અંતમાં જમા કરાશે. યુકેમાં લાખો ઓછી આવક ધરાવતા પરિવારોને ક્રિસમસ સુધીમાં જીવનનિર્વાહના ખર્ચના ભારણને સરળ બનાવવા માટે ઓછામાં ઓછા £1,200 આપવામાં આવશે.

આ ઉપરાંત, દર દસમાંથી લગભગ એક વ્યક્તિને આ ઑટમમાં £150નું ડિસેબિલિટી પેમેન્ટ આપવામાં આવશે. 8 મિલિયનથી વધુ પેન્શનર પરિવારોને નવેમ્બર અને ડિસેમ્બરમાં વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ્સમાંથી વધારાના £300 આપવામાં આવશે.

સરકારે કહ્યું હતું કે યુકેમાં તમામ સ્થાનિક લોકોને એનર્જી બિલમાં મદદ કરવા માટે £400ની ગ્રાન્ટ મળશે. ડીસેબીલીટી અને પેન્શનર પેયમેન્ટ સહિત ઈંગ્લેન્ડમાં કાઉન્સિલ ટેક્સ બેન્ડ Aથી Dમાં છે તેમને વધારાના £150 મળશે.

ચાન્સેલર નદીમ ઝહાવીએ કહ્યું હતું કે “સૌથી વધુ જરૂરિયાતવાળા અને સંઘર્ષ કરી રહેલા લાખો પરિવારોને આ એક મોટી મદદ મળશે. ટેક્સ કટની સાથે, યુનિવર્સલ ક્રેડિટ અને હાઉસહોલ્ડ સપોર્ટ ફંડમાં ફેરફારો સઆથે આ પેયમેન્ટ અમારા £37 બિલિયનના સપોર્ટ પેકેજનો એક મહત્વપૂર્ણ ભાગ છે.”