નાણાભીડનો સામનો કરી રહેલી ભારતની બજેટ એરલાઇન સ્પાઇસજેટના પ્રમોટર અજય સિંહ એરલાઇન્સમાં રહેલો પોતાનો હિસ્સો વેચવા માટે મધ્ય-પૂર્વ એશિયાની એરલાઇન્સ કંપનીઓ સહિત વિવિધ ખેલાડીઓ સાથે વાટાઘાટો કરી રહ્યા હોવાના અહેવાલ છે. કંપનીને અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભંડોળ એકત્ર કરવું જરૂરી છે.

એરલાઇનનું મેનેજમેન્ટ સરકારને માહિતી આપી છે કે નબળી નાણાકીય સ્થિતિને કારણે કે આ મંત્રણા કરી રહી છે. સ્પાઇસજેટના પ્રવક્તાએ જણાવ્યુ હતું કે કંપની સાતત્યપૂર્ણ ફાઇન્સિંગ મેળવવા માટે વિવિધ રોકાણકારો સાથે મંત્રણા કરતી હોય છે અને યોગ્ય સમયે યોગ્ય જાહેરાત કરશે.

મીડિયા અહેવાલમાં સુત્રોને ટાંકીને જણાવ્યા અનુસાર પ્રમોટર અજય સિંહ સ્પાઇસ જેટમાં 60 ટકા હિસ્સો ધરાવે છે. એશિયાના મધ્ય- પૂર્વની એક મોટી એરલાઇન્સ કંપનીએ સ્પાઇસ જેટના બોર્ડ મેનેજમેન્ટમાં એક બેઠકની શરત સાથે 24 ટકા હિસ્સો ખરીદવા રસ દર્શાવ્યો છે. ઉપરાંત એક ભારતીય બિઝનેસ ગ્રૂપે પણ એરલાઇન્સમાં હિસ્સો ખરીદવા પ્રમોટરનો સંપર્ક કર્યો હોવાનું મનાય છે.

તાજેતરમાં સ્પાઇસ જેટ કંપનીએ ઓર્પોરેટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના તમામ બાકી લેણાંની ચૂકવણી કરી દીધી હોવાની જાહેરાત કરી હતી. સ્પાઈસજેટની બાકી લેણાંની ચુકવણી કરવાની ક્ષમતા એ તાજેતરના સમયમાં એરલાઈન્સના રોકડ પ્રવાહમાં સુધારાના સંકેત આપે છે.ભારતની નિયમનકારી સંસ્થા ડીજીસીએએ તાજેતરમાં સ્પાઇસજેટને તેની માત્ર 50 ટકા ક્ષમતાએ ફ્લાઇટ ઓપરેટ કરવાનો આદેશ આપ્યો હતો.