Autumn Statement prioritizes the poor
રિશી સુનક (ફાઇલ ફોટો) (Photo by Dan Kitwood/Getty Images)
– સરવર આલમ દ્વારા

નોર્થ લંડનના સાઉથ હેરોના ધામેચા લોહાણા કેન્દ્રમાં કન્ઝર્વેટિવ્સ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (CFIN) દ્વારા સોમવાર તા. 22ના રોજ યોજવામાં આવેલા એક હસ્ટિંગમાં ભૂતપૂર્વ ચાન્સેલર અને વડા પ્રધાન પદના ઉમેદવાર ઋષિ સુનકને સાંભળવા સમગ્ર દેશમાંથી એકત્ર થયેલા બ્રિટિશ એશિયન્સે તેમનું ઉત્સાહભેર અભિવાદન કર્યું હતું. અહીંનો માહોલ તો એવો ધમાકેદાર હતો કે જાણે સુનક વડાપ્રધાનપદ માટે નિશ્ચિત હોય. એકત્રિત લોકોમાંથી વડીલોએ આ ભારતીય બ્રિટિશર નેતાને વિજયના આશિર્વાદ આપ્યા હતા, તો સમવયસ્કો અને યુવાનોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યં હતું. ઋષિ સુનકે પણ સૌનું વિનમ્રતાથી અને છતાં આત્મવિશ્વાસપૂર્વક અભિવાદન કર્યું હતું.

કોમ્યુનિટીમાં લોકપ્રિય નેતાનું ઢોલ વગાડી, હર્ષભેર સીટીઓ મારી એક હીરોની જેમ સ્વાગત કરાયું હતું. સુનકે હિન્દીમાં સ્ટેજ પરથી “આપ સબ મેરે પરિવાર હો” કહી ‘નમસ્તે, સલામ, કેમ છો, અને કિદ્દા’ જેવા પરંપરાગત ઉદબોધન સાથે સૌને આવકાર્યા હતા. બ્રિટિશ પંજાબી મૂળના સુનકે ઉપસ્થિત મહેમાનો સાથે વાર્તાલાપ કરી શુભેચ્છા આપવા આવેલા અને કતારમાં ઉભા રહેલા લોકો સાથે સેલ્ફી લેવડાવી હતી. ભીડમાં ઉપસ્થિત વડિલોએ સુનકને આશીર્વાદ આપ્યા હતા.
સુનક એક રોક સ્ટારની જેમ ભીડમાં ભળી ગયા હતા અને ‘તમને નંબર 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં મળીશું’ એમ જણાવી કહ્યું હતું કે “આ યોજના છે. મને જે મળ્યું તે હું તે આપી રહ્યો છું”.

42 વર્ષીય સુનકે કોન્ઝર્વેટીવ સાથીદારો લોર્ડ ડોલર પોપટ અને CFINના કો-ચેર લોર્ડ રેમી રેન્જરનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “તમારા અદ્ભુત કાર્ય અને બલિદાન વિના, હું અહીં ઉભો ન હોત.”
સભાને સંબોધતા સુનકે કહ્યું હતું કે, “મારા નાનીજી ઇસ્ટ આફ્રિકાથી અહીં આવવા માટે પ્લેનમાં સવાર થયાના 60 વર્ષ પછી, એક દિવાળીના દિવસે તેમની બે પ્રપૌત્રીઓ, મારી બે નાની દિકરીઓ તેમના ઘરની બહાર ગલીમાં રમતી હતી, ઘરના દરવાજા પર રંગોળી દોરતી હતી, દિવાળી પર અન્ય ઘણા પરિવારોની જેમ દીવા પ્રગટાવ્યા હતા અને મજા કરી હતી. પરંતુ તે શેરી ડાઉનિંગ સ્ટ્રીટ હતી અને ઘરનો દરવાજો નંબર 11નો હતો.”

તે સમયે એક શ્રોતાએ બૂમ પાડી કહ્યું હતું કે, ‘ટૂંક સમયમાં નંબર 10’માં હશો.

સુનકે ઉમેર્યું હતું કે “હું જ્યાંથી છું તેના પર મને ખૂબ જ ગર્વ છે. હું કોણ છું તેનો તે મોટો ભાગ છે. પરંતુ તે મને એવા દેશમાં રહેવાનો અને સંબંધમાં રહેવાનો ખૂબ આનંદ આપે છે જ્યાં મારા જેવા કોઈ માટે ચાન્સેલર બનવું શક્ય હતું. હવે આપણે ખાતરી કરવાની છે કે તે મારી વાર્તાનો અંત નથી, પરંતુ શરૂઆત છે. હું નમ્રતાપૂર્વક તમારા પક્ષના આગામી નેતા અને મહાન દેશના આગામી વડા પ્રધાન બનવા માટે તમારૂ સમર્થન આપવા વિનંતી કરું છું.”
સુનકે કહ્યું હતું કે “હું દરેકને મદદ કરવા માંગુ છું અને નબળા લોકોને વધુ મદદ મળે તે માટે ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું.

લિઝની યોજના તે લોકો માટે ટેક્સમાં કાપ મૂકવાની છે. પરંતુ જો તમે ઓછી આવક ધરાવતા હો તો ટેક્સ કટમાં બહુ લાભ થતો નથી. તેમના જેવી જ વ્યક્તિનો ટેક્સ કટ £1,700નો હશે. ઓછી આવક ધરાવતી વ્યક્તિ માટે તે ટેક્સ કટનું મુલ્ય અઠવાડિયામાં લગભગ એક પાઉન્ડનું થશે. જે પેન્શનર કામ કરતા નથી, તેમને માટે ઝીરો ફાયદો હશે. મારો મત એ છે કે આપણે તે લોકોને સીધી નાણાકીય મદદ કરવી પડશે અને જો આપણે નહીં કરીએ, તો તે આ સરકારની મોટી નિષ્ફળતા હશે. હું એવી સરકાર ચલાવીશ જેનું ગંભીરતાથી સંચાલન થાય. જે નિપુણતાથી હાથ ધરાય, તે જે કરે તે હૃદયમાં શિષ્ટતા અને પ્રામાણિકતા સાથે હાથ ધરવામાં આવે. હું તે જ પરિવર્તન લાવવા જઈ રહ્યો છું. હું તે પ્રકારનો વડાપ્રધાન બનવા જઈ રહ્યો છું અને આ રીતે અમે લેબરને હરાવીશું અને આગામી સામાન્ય ચૂંટણી જીતીશું.”

સુનકે લંડનના લેબર મેયર સાદિક ખાન પર પણ કટાક્ષ કરી મે મહિનામાં સ્થાનિક ચૂંટણીના પરિણામ માટે હેરો જનતાનો આભાર માન્યો હતો જેમાં 2013 પછી પ્રથમ વખત કન્ઝર્વેટિવ્સે લેબર પાસેથી બરો પર નિયંત્રણ મેળવ્યું હતું.
સુનકે કહ્યું હતું કે “જ્યારે યુલેઝ, ગુનાખોરી, ટ્યુબ સ્ટ્રાઇકની વાત આવે છે, ત્યારે મેયર લંડનવાસીઓને નિરાશ કરે છે. પણ, આ રૂમમાં ઉપસ્થિત ઘણા લોકોના પરાક્રમી પ્રયાસો, અને સખત મહેનતના કારણે હેરો વધુ સારી રીતે લાયકબન્યું છે અને તમારી જીતને કારણે હેરોમાં કન્ઝર્વેટિવ કાઉન્સિલ આવી છે.”

CFIN કો-ચેર રીના રેન્જરના દ્વિપક્ષીય સંબંધો વિશેના પ્રશ્નના જવાબમાં સુનકે જણાવ્યું હતું કે “અમે જાણીએ છીએ કે યુકે-ભારત સંબંધ મહત્વપૂર્ણ છે. અમે અમારા બે દેશો વચ્ચેના જીવંત પુલનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. અમે બધા યુકેની ચીજ-વસ્તુઓ વેચવાની અને ભારતમાં ઘણું કરવાની તક વિશે ખૂબ જ વાકેફ છીએ, પરંતુ વાસ્તવમાં આપણે તે સંબંધને અલગ રીતે જોવાની જરૂર છે કારણ કે અહીં યુકેમાં અમે ભારત પાસેથી શીખી શકીએ છીએ. હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે અમારા વિદ્યાર્થીઓ માટે પણ ભારતની મુસાફરી કરવી અને શીખવું સરળ બને. અમારી કંપનીઓ અને ભારતીય કંપનીઓ માટે સાથે મળીને કામ કરવું પણ સરળ છે કારણ કે તે માત્ર એક તરફી સંબંધ નથી, તે દ્વિ-માર્ગી સંબંધ છે, અને તે પ્રકારનો બદલાવ હું તે સંબંધમાં લાવવા માંગુ છું.”

યુકેની શિક્ષણ પ્રણાલી વિષે સુનકે કહ્યું હતું કે “હું જાણું છું કે જેટલું તે મારા માટે મહત્વપૂર્ણ છે તેટલું જ તમારા બધા માટે છે. જો તે ન હોત તો હું અહીં ઉભો ન હોત. કારણ કે મારા માતા-પિતા અને તમારામાંથી ઘણાએ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા બલિદાન આપ્યા છે. હું માનું છું કે આપણે આ દેશમાં એવી શિક્ષણ પ્રણાલી ઉભી કરવી જોઈએ જેની વિશ્વની ઈર્ષ્યા થાય. જો મને પૂછવામાં આવે કે તમે કેવો વારસો છોડવા માંગો છો? તો હું કહીશ કે હું આ દેશમાં અવિશ્વસનીય શિક્ષણ પ્રણાલી આપવા માંગીશ.”

કાર્યક્રમના અંતે શ્રી જગન્નાથ સોસાયટી યુ.કે.ના ટ્રસ્ટી અમિતા મિશ્રાએ સુનકને ભારતથી લાવેલ સોનાનો ઢોળ ચડાવેલ દેવતાઓની પ્રતિમા આપી હતી. તેમની સાથેના પંડિતે ‘ભગવદ ગીતા’માંથી વિજયના આશિર્વાદ આપતો શ્લોક રજૂ કર્યો હતો.સુનકના સમર્થકો – જેમ કે ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શૅપ્સે સુનક માટે આશા છોડી નથી. તેઓ માને છે કે 2015ની સામાન્ય ચૂંટણી અને 2016ના EU લોકમતની જેમ સર્વે ખોટા સાબિત થઇ શકે છે અને સુનક અણધારી જીતનો દાવો કરી શકે છે.