Jacqueline Fernandez
(ANI Photo)

ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતી સિંહ સહિતના વિવિધ હાઇ પ્રોફાઇલ લોકો સાથે છેતરપિંડીના આરોપી સુકેશ ચંદ્રશેખર સંબંધિત ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ બુધવારે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસની આકરી પૂછપરછ કરી હતી. પોલીસને જેકલીન અને પિન્કી ઇરાનીના જવાબમાં વિસંગતતા જોવા મળી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ ખંડણી કેસમાં જેકલીન ફર્નાન્ડીસને ત્રીજી વખત સમન્સ કરવામાં આવી હતી. તેની આશરે આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જેકલીનની સાથે પિન્કી ઇરાનીની પણ પૂછપરછ કરાઈ હતી. પિન્કી ઇરાનીએ ચંદ્રશેખર સાથે જેકલીનની ઓળખ કરાવી હતી. પિન્કીને આ ઓળખાણ કરાવવા માટે કરોડો રૂપિયા આપવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.

પૂછપરછના પ્રથમ રાઉન્ડમાં દિલ્હી પોલીસને આ બંનેને જવાબમાં વિસંગતતા જોવા મળી હતી. બીજા રાઉન્ડમાં આવતીકાલે બંનેને સાથે બેસાડીને ફરી પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે.
પ્રથમ પિન્કી ઇરાની અને જેકલીનના નિવેદનને અલગ-અલગ તરીકે રેકોર્ડ કરાયા હતા. આ પછી કેસમાં વધુ સ્પષ્ટતા મેળવવા માટે બંનેને સાથે રાખીને પૂછપરછ કરાઈ હતી.

આ મહિનાના પ્રારંભમાં બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીની પણ એજન્સીએ આ કેસમાં આશરે છથી સાત કલાક સુધી પૂછપરછ કરી હતી અને તેનું નિવેદન રેકોર્ડ કર્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના જણાવ્યા અનુસાર નોરા અને જેકલીને ગુનાની કમાણીમાંથી ચંદ્રશેખર પાસેથી લક્ઝરી કાર અને બીજી મોંઘાદાટ ગીફ્ટ મેળવી હતી.
મહાઠગ ચંદ્રશેખર હાલમાં જેલમાં છે. તેની સામે ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતી સિંહ સહિતના વિવિધ હાઇ પ્રોફાઇલ લોકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.

17 ઓગસ્ટે ઇડીએ ચંદ્રશેખર સંબંધિત કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને જેકલીનને આરોપી બનાવી હતી. અભિનેત્રીને સુકેશ ચંદ્રશેખરે આશરે રૂ.7 કરોડની જ્વેલરી ગીફ્ટમાં આપી હોવાનું માનવામાં આવે છે. ચંદ્રશેખરે લક્ઝરી કારો, મોંઘી બેગ, કપડા, પગરખા, મોંઘી ઘડિયાળો પણ અભિનેત્રી અને તેના પરિવારના સભ્યોને આપી હોવાનું માનવામાં આવે છે.

LEAVE A REPLY

3 × 1 =