સરકારની નવી યોજનાઓ હેઠળ ખર્ચ વધતા લાખો પરિવારોનો કાઉન્સિલ ટેક્સ પ્રથમ વખત £2,000થી ઉપર જશે. સેંકડો સ્થાનિક કાઉન્સિલો પડી ભાંગે તે શક્યતાઓને પગલે ઋષિ સુનક અને તેમના ચાન્સેલર જેરેમી હંટ દાયકાઓથી ચાલતી કાઉન્સિલ ટેક્સ વધારવાની મર્યાદા (2+1 ટકા) હટાવવા માટે તૈયાર છે. તેને પગલે કાઉન્સિલ્સ સામાજિક સંભાળ માટે ભંડોળમાં મદદ કરવા માટે નવી યોજનાઓ હેઠળ પરિવારો પાસેથી દર મહિને કાઉન્સિલ ટેક્સ પેટે સરેરાશ £100નો વધારો કરે તેવી શક્યતાઓ છે. ટોચના બેન્ડ H ના મકાનમાલિકોને £200 જેટલી વધારાની ચૂકવણી કરવી પડશે. હાલમાં કાઉન્સિલ ટેક્સમાં કુલ 3 ટકાથી વધુની વૃદ્ધિ પ્રતિબંધિત છે. સરકાર આવતા વર્ષે નિયમોમાં છૂટછાટ આપી કાઉન્સિલોને કુલ 5 ટકા જેટલો ટેક્સ વધારો કરવા પરવાનગી આપવાનું વિચારી રહી છે.
કાઉન્સિલ બેન્ડ ડી બિલ પર લેવાતા £1,966ના સરેરાશ ટેક્સ પર 5 ટકાના વધારા લેખે આવતા વર્ષે વધારાના £98નો વેરો લેશે તેવી શક્યતાઓ છે. ગુરુવારના બજેટમાં ચાન્સેલર હન્ટ દ્વારા આ પગલાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. કાઉન્સિલો દાવો કરી રહી છે કે તેમની મુખ્ય સેવાઓ પ્રદાન કરવાની ક્ષમતા ફૂગાવાને કારણે ઘટી રહી છે અને તેથી ટેક્સમાં વધારો જરૂરી છે. લોકલ ગવર્મેન્ટ એસોસિએશને ચેતવણી આપી છે કે કાઉન્સિલોને આવતા વર્ષે ‘ફક્ત કોવિડ પહેલાના સ્તરે સેવાઓ જાળવવા માટે’ £3.4 બિલિયનના ભંડોળના તફાવતનો સામનો કરવો પડશે. જો માત્ર કાઉન્સિલ ટેક્સનો ઉપયોગ કરીને જ ગેપ ભરવાની હોય તો ‘આવતા વર્ષે બિલમાં 10 ટકાથી વધુનો વધારો કરવો પડશે’.
સરકારની મર્યાદા સમાપ્ત થતાંની સાથે સરેરાશ એનર્જી બિલ £900 વધી જાય તેવી શક્યતાઓને પગલે આગામી એપ્રિલમાં લાખો પરિવારોને જીવન નિર્વાહના વધુ ઉંચા ખર્ચનો સામનો કરવો પડશે. ખાદ્યપદાર્થોની વધતી કિંમતો અને ઊંચા એનર્જી બિલના લીધે ફૂગાવો 8 ટકાથી ઉપર જતા બેંક ઓફ ઈંગ્લેન્ડે ચેતવણી આપી હતી કે યુકે સૌથી લાંબી મંદીનો સામનો કરી રહ્યું છે.
ઓટમ સ્ટેટમેન્ટમાં 700,000 પરિવારો 2028 સુધીમાં ચાઇલ્ડ બેનિફીટ ગુમાવે તેવી જોગવાઇ આવી શકે છે. ચાન્સેલર પ્રચંડ ફૂગાવા છતાં છ વર્ષ માટે £50,000 નો થ્રેશોલ્ડ સ્થિર રાખવા તૈયાર છે.
લિઝ ટ્રસની ‘ભૂલો સુધારવા’ની પ્રતિજ્ઞા લેનાર ઋષિ સુનક ફૂગાવાને ‘દુશ્મન’ તરીકે ઓળખે છે અને તેને કાબુમાં લઇ દેશની ગાડી પાટા પર ચઢાવવા પ્રતિબધ્ધ છે પરંતુ હવે દેશમાં બેરોજગારી વધવા સાથે વેતનમાં પણ વાસ્તવિક રીતે 3.7%નો ઘટાડો થયો છે. સપ્ટેમ્બર સુધીના ત્રણ મહિનામાં બેરોજગારી ફરી ઘટી હતી પરંતુ તે માંદગીના કારણે હોવાનું બહાર આવ્યું હતું. આર્થિક નિષ્ક્રિયતા હજુ પણ 1.4 ટકા પોઈન્ટ પૂર્વ-કોવિડ સ્તરથી નીચે એટલે કે 21.6% છે. બીજી તરફ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ગયા મહિને કંપનીઓની નાદારીમાં 38 ટકાનો વધારો થયો હતો. આર્થિક મંદીને કારણે ઓક્ટોબરમાં 1,948 કંપનીઓ નાદારીમાં ડૂબી હતી, જે સંખ્યા ગયા વર્ષના સમાન મહિનામાં 1,410 હતી.














