The G-20 summit began on Tuesday in Bali, Indonesia
ઇન્ડોનેશિયામાં, મંગળવાર, 15 નવેમ્બર, 2022, G20 સમિટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના પ્રેસિડન્ટ જોકો વિડોડો, યુએસ પ્રમુખ જો બિડેન અને જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે (PTI ફોટો)

ઈન્ડોનેશિયાના બાલીમાં મંગળવારથી શરૂ થયેલી જી-20 શિખર માટે સોમવારે બાલી પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે યુકેના વડાપ્રધાન ઋષિ સુનકને મળ્યા હતા. સુનક વડાપ્રધાન બન્યા પછી બન્ને નેતાઓની આ પહેલી રૂબરૂ મુલાકાત હતી. અગાઉ ગાય મહિને બન્નેએ ફોન ઉપર લાંબી ચર્ચા કરી હતી.

મોદીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, બન્ને વડાપ્રધાન ભારત – યુકે વચ્ચે સંતુલિત અને સર્વગ્રાહી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વહેલાસર આટોપી લેવાના મહત્ત્વ અંગે સંમત થયા હતા. યુકેના પીએમ સુનકે પણ ભારત સાથે સારા સંબંધો જાળવવા પોતે આતુર હોવાનું અને બન્ને દેશો વચ્ચે સુરક્ષા, સંરક્ષણ અને આર્થિક ભાગીદારી વધુ મજબૂત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

અગાઉ, સોમવારે મોદી અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેન, ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઈમેન્યુઅલ માક્રોં તથા નેધરલેન્ડ્સના વડાપ્રધાન માર્ક રટ તથા સેનેગલના પ્રેસિડેન્ટ મેકી સોલને પણ મળ્યા હતા અને તમામ સાથે વિચાર વિમર્શ કર્યા હતા. મોદી અને બાઈડેન એકબીજાને ઉષ્માપૂર્વક ભેટી પડ્યા હતા. બન્નેએ દ્વિપક્ષી સંબંધો તેમજ મહત્ત્વની વૈશ્વિક બાબતો ઉપર સંક્ષિપ્તમાં ચર્ચા કરી હતી અને યુક્રેન યુદ્ધ તેમજ તેની અસરો વિષે પણ વિચારવિમર્શ કર્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયની એક યાદીમાં જણાવાયા મુજબ ભારત – અમેરિકા વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં નિરંતર ટેકો આપવા બદલ મોદીએ પ્રેસિડેન્ટ બાઈડેનનો આભાર પણ માન્યો હતો.મંગળવારે રાત્રી ભોજન સમયે મોદીએ ચીનના પ્રેસિડેન્ટ શિ જિનપિંગનું અભિવાદન કર્યું હતું, જો કે બન્ને વચ્ચે કોઈ દ્વિપક્ષી મુલાકાતનું આયોજન કરાયું નથી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments