The seventh Patotsav was celebrated at Khodaldham

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડસ્થિત ખોડલધામ મંદિર ખાતે શનિવારે સાતમા પાટોત્સવ ઉજવાયો હતો, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. ખોડલધામ ટ્રસ્ટને સામાજિક સમરસતાના આગવા કેન્દ્ર તરીકે ઓળખાવતા ભૂપેન્દ્રભાઈએ કહ્યું હતું કે, ખોડલધામ વિશ્વનું એક માત્ર એવું મંદિર છે, જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકે છે. રાષ્ટ્રહિત અને સમાજહિતના કેન્દ્ર તરીકે ખોડલધામ વિશ્વને હંમેશા પ્રેરણા પૂરું પાડતું રહેશે. સમાજશક્તિને બહુવિધ વિકાસ કામોમાં જોડીને ખોડલધામ ટ્રસ્ટ રાષ્ટ્ર-રાજ્યના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન આપે છે.

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે ઉપસ્થિત તમામ મહાનુભાવોને આવકારતા કહ્યું હતું કે, ખોડલધામ એક વિચાર છે. તેને મંદિર પૂરતો સીમિત ન રાખતાં રાષ્ટ્ર કલ્યાણ સુધી પહોંચાડવાનું કાર્ય ઉપસ્થિત સૌએ કરવાનું છે. ખોડલધામની સ્થાપનામાં ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલનો સહયોગ મળવા બદલ નરેશભાઇએ આભાર માન્યો હતો. જરૂરી સુવિધાઓથી ખોડલધામ આજે ભવ્યાતિભવ્ય બન્યું છે. તેમણે ૨૦૨૭માં ભવ્યાતિભવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી હતી.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિસ્તારોમાં જુદા જુદા પાંચ જનસુખાકારીના પ્રકલ્પોની પણ શ્રી નરેશભાઇએ જાહેરાત કરી હતી. જે અંતર્ગત આરોગ્ય, શિક્ષણ અને સ્પોર્ટસના સુવિધાસભર સંકુલો બનાવવામાં આવશે. આજના પાટોત્સવ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ૪૧ ટ્રસ્ટીઓને નવનિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં. અનારબેન પટેલનો નવા મહિલા ટ્રસ્ટી તરીકે સમાવેશ કરાયો હતો.

LEAVE A REPLY

3 + five =