Smriti Mandhana India's most expensive player in memory
(ANI Photo)

આગામી માર્ચ મહિનાથી ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા શરૂ થઈ રહેલી સૌપ્રથમ મહિલા ક્રિકેટ પ્રિમિયર લીગમાં સોમવારે ખેલાડીઓની થયેલી હરાજીમાં પાંચ ટીમે 87 ખેલાડીઓની ખરીદી કરી હતી, જેમાંથી ભારતની સ્મૃતિ મંધાના 3.40 કરોડ રૂપિયા સાથે સૌથી મોંઘી ખેલાડી બની રહી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે તેના માટે સૌથી વધુ બોલી લગાવી હતી.  

સૌથી વધુ રકમ સાથે ટીમોએ પસંદ કરેલી ટોચની પાંચ ખેલાડીઓમાં ભારતની ત્રણ, ઈંગ્લેન્ડની એક અને ઓસ્ટ્રેલિયાની એક ખેલાડીનો સમાવેશ થતો હતો. સ્મૃતિ પછી ઓસ્ટ્રેલિયાની એશ્લી ગાર્ડનરે ગુજરાત જાયન્ટસે રૂ. 3.2 કરોડમાં, ઈંગ્લેન્ડની નાતાલી સ્કિવરને મુંબઈ ઈન્ડિયન્સે 3.2 કરોડમાં, દીપ્તિ શર્માને યુપી વોરિયર્ઝે 2.6 કરોડમાં અને જેમિમા રોડ્રીગ્ઝને દિલ્હી કેપિટલ્સે 2.4 કરોડમાં ખરીદી હતી. કુલ 20 ખેલાડીઓને રૂ. એક કરોડ કે તેથી વધુ રકમ મળી હતી. 

આગામી તા. 4 માર્ચથી 26 માર્ચ સુધી ડબ્લ્યુપીએલ (વીમેન્સ પ્રિમિયર લીગ) મુંબઈના બે સ્ટેડિયમ – બ્રેબોર્ન અને નવી મુંબઈના ડી વાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે, જેમાં પાંચ ટીમ – મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્ઝ વચ્ચે જંગ જામશે. ફાઈનલ સહિત કુલ 20 મેચ રમાશે. 

LEAVE A REPLY

ten + three =