અમૃતસરમાં 23 ફેબ્રુઆરી 'વારિસ પંજાબ દે' સંગઠનના નેતા અમૃતપાલ સિંહના સમર્થકો અમૃતપાલ સિંહના નજીકના સાથીદારને મુક્ત કરવાની માંગ સાથે બેરિકેડ તોડીને પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યા હતા. (ANI ફોટો)

અમૃતસરમાં ‘વારિસ પંજાબ દે’ સંગઠનના વડા અમૃતપાલ સિંઘના સમર્થકોએ ગુરુવારે હાથમાં ખુલ્લી તલવારો અને બંદૂકો સહિતના હથિયારો લઇને એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો અને તેમના એક સમર્થકને છોડવાની પોલીસે ખાતરી આપી તે પછી શાંત પડ્યા હતા. ટોળું બેરિકેડ તોડીને એક પોલીસ સ્ટેશન સંકુલમાં ઘૂસી ગયું હતું. અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશનમાં સવારે બનેલી આ ઘટનામાં છ પોલીસ જવાનો ઘાયલ થયા હતા. અમૃતપાલ સિંહ ખાલિસ્તાની સમર્થક હોવાનું માનવામાં આવે છે.

સમર્થકો માર્ચ કરીને આવી રહ્યાં હોવાથી પોલીસે અગાઉથી મોટી સંખ્યામાં જવાનોને તૈનાત કર્યા હતા, પરંતુ પોલીસ લાચાર બનીને ઊભી હતી. દુબઈથી પરત ફરેલા અમૃતપાલ સિંહ ‘વારિસ પંજાબ દે’ નામની સંસ્થાના વડો છે. તેને પોલીસ સ્ટેશનમાં તેમના સમર્થક તુફાન સિંહની મુક્તિ માટે પોલીસને અલ્ટિમેટમ આપ્યું હતું. અમૃતપાલે તાજેતરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તેમના પણ  ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જેવા હાલ થશે.

કટ્ટરપંથી અમૃતપાલ સિંઘ અને તેના 30 સમર્થકો વિરુદ્ધ રૂપનગર જિલ્લાના ચમકૌર સાહિબના રહેવાસી બરિન્દર સિંહનું અપહરણ અને માર મારવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ પોલીસને એફઆઈઆર રદ કરવાની તાકીદ કરી હતી અને ધમકી પણ આપી કે જ્યાં સુધી તુફાન સિંહને છોડવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોલીસ સ્ટેશન છોડશે નહીં. આ ઘટનાને પગલે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશન આવ્યા હતા અને અમૃતપાલ અને તેના સમર્થકો સાથે બેઠક યોજી હતી. આ પછી ધરપકડ કરાયેલા વ્યક્તિને છોડવાની જાહેરાત કરી હતી.

 

LEAVE A REPLY

ten + nine =