રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 11 મહિનામાં 2.50 ટકા વ્યાજદર વધાર્યા પછી ગુરુવારે વ્યાજદરના વધારાની સાઇકલને બ્રેક મારી હતી. જોકે, ભવિષ્યમાં ફુગાવો વકરશે અથવા સ્થિતિ વણસશે તો કડક પગલાં લેવાની ચેતવણી ગર્વનર શક્તિકાંતા દાસે ઉચ્ચારી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે વ્યાજદરમાં વધારો નહીં કરવાનું પગલું આ મીટિંગ પૂરતું છે અને ભવિષ્યમાં વૈશ્વિક તથા સ્થાનિક કેવા પરિબળો આકાર લે છે તેની પર આગામી નિર્ણયનો આધાર રહેશે. રિઝર્વ બેન્કની નાણાં નીતિ કમિટીના બધા જ સભ્યોએ 6.50 ટકાના સ્તરે રેપો રેટ જાળવી રાખવાનો સામૂહિક નિર્ણય લીધો હતો. આ નિર્ણયને પગલે મે 2022 પછી વિવિધ લોનના વધતા દર અટકશે. એમપીસીની બેઠકમાં 0.25 ટકાનો છેલ્લો વ્યાજદરમાં વધારો કરાયા બાદ તેના પર બ્રેક મારવામાં આવશે એવો સર્વ સામાન્ય મત રહેતાં રિઝર્વ બેન્કના આ પગલાંએ નાણાં જગતમાં આશ્ચર્ય ફેલાવ્યું હતું.

રિઝર્વ બેન્કે આગામી વર્ષનો જીડીપી ગ્રોથ રેટ 6.4 ટકાથી સુધારીને 6.5 ટકા કરતા તેનો પણ સુખદ આંચકો આપ્યો હતો. નાણાકિય વર્ષ 2022-23માં ગ્રોથ 7 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. વધુમાં ફુગાવો 2023-24 માટે 5.2 ટકા રહેવાની આગાહી કરી હતી જેનો અગાઉ અંદાજ 5.3 ટકા હતો. દાસે જણાવ્યું હતું, ફુગાવા સામેના યુદ્ધનો હજી અંત આવ્યો નથી. હાલમાં ક્રૂડ ઉત્પાદક દેશો દ્વારા ઉત્પાદન પર કાપ મૂકવાનો નિર્ણય અને કમોસમી વાતાવરણને કારણે નવા પડકારો ઊભા થયા છે. ફુગાવો છેલ્લા 17 મહિનાથી 6 ટકાની ઉપર રહ્યો હોવા છતાં રિઝર્વ બેન્કે વ્યાજદરના વધારા પર બ્રેક મારી હોવાથી લોકો જરૂર સરપ્રાઇસ થયા હશે, એમ વધુમાં દાસે કહ્યું હતું.

 

LEAVE A REPLY

five × three =