લેસ્ટરમાં ક્રિકેટમાં એશિયા કપના વિજય બાદ થયેલી હિંસક અથડામણો ‘ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હિંદુ રાષ્ટ્રવાદી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ લોકો દ્વારા કરવામાં આવી હતી અને BJPમાં સામેલ લોકોએ હિંસા ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો એવો ધ મેલ ઓન સન્ડે દ્વારા યુકેના સીક્યુરીટી સૂત્રોને ટાંકીને આક્ષેપ કરાયો છે. મુદ્દાની વાત એ છે કે આ કહેવાતા સિક્યુરીટી સોર્સ કોણ છે, ક્યાંના છે અને કયા પૂરાવાના આધારે તેણે આવો આક્ષેપ કર્યો છે તે સ્પષ્ટ કરાયું નથી.
ધ મેલ ઓન સન્ડેમાં આક્ષેપ કરતા જણાવાયું છે કે ‘’BJPની નજીકના તત્વોએ બ્રિટિશ હિન્દુઓને ગયા સમરમાં લેસ્ટરમાં થયેલા વિસ્ફોટક રમખાણોમાં મુસ્લિમ યુવાનોનો સામનો કરવા માટે ઉશ્કેર્યા હોવાની શંકા છે. હિન્દુ વિરોધીઓને રસ્તા પર આવવા માટે પ્રોત્સાહિત કરવા માટે વોટ્સએપ ગૃપોનો ઉપયોગ કરાયો હતો. તે સ્ત્રોતે ચેતવણી આપી હતી કે ભારતીય હિંદુ રાષ્ટ્રવાદીઓ દ્વારા યુકેમાં દખલ કરવા માટે ખાનગી સોશિયલ મીડિયા પોસ્ટનો ઉપયોગ કરવાનું આ માત્ર ‘સૌથી ગંભીર’ ઉદાહરણ છે.
સીક્યુરીટી સૂત્રોએ ચેતવણી આપી હતી કે ‘મુખ્યત્વે સ્થાનિક રાજકારણ માટે અથવા સ્થાનિક કાઉન્સિલરને ચૂંટવા માટે મોદી અને તેમનો ભાજપ જે ગુજરાતમાં કરી રહ્યું છે તે તેમણે અહિં કર્યું હતું. પરંતુ તે આપણા રાષ્ટ્રીય રાજકારણને પ્રભાવિત કરવાના પ્રયાસો સુધી ફેલાય તે પહેલા તેને રોકવું પડશે.’
અખબારને કહેવાયું હતું કે ‘’ભારત સ્થિત બીજેપીના કાર્યકરોએ મેચ પછી સંદેશાઓ અને મીમ્સ મોકલવાનું શરૂ કર્યું હતું જે લેસ્ટરમાં હિન્દુઓના વ્હોટ્સએપ જૂથોમાં વ્યાપકપણે ફર્યા હતા. તે પછી ‘જય શ્રી રામ’ના નારા લગાવતા યુવાનોએ રસ્તાઓ પર કૂચ કરી હતી.’’
તે પછી મુસ્લિમોના ઘરો પર અને હિંદુ મંદિરો અને હિંદુ ઘરો પર હુમલા અને તોડફોડના અહેવાલો આવ્યા હતા.
થિંક ટેન્ક ‘ધ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક ડાયલોગ’ના અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું હતું કે, લેસ્ટરમાં અથડામણો ફાટી નીકળતાં, ભારતીય મીડિયાએ હિંસાનો આરોપ ‘પાકિસ્તાની ઓર્ગેનાઇઝ્ડ ગેંગ’ પર મુકીને હિંદુઓ મુસ્લિમોના હુમલાઓનો ભોગ બની રહ્યાં છે તેવી મુશ્કેલીનું નિરૂપણ કર્યું. તો ટ્વિટર પર, એક નવું હેશટેગ ઉભરી આવ્યું, #HindusUnderAttackInUK, જે ભાજપના જાણીતા મંત્ર, #HindusUnderAttack પર એક પ્રકાર હતું.
રમખાણોની તપાસ કરનાર હેનરી જેક્સન સોસાયટી થિંક ટેન્કના નિષ્ણાત શાર્લોટ લિટલવુડે જણાવ્યું હતું કે ‘’ભારતમાંથી નવા આવેલા હિંદુ યુવાનો અને વધુ સ્થાયી થયેલા મુસ્લિમ સમુદાય વચ્ચેના તણાવના પરિણામે ખલેલ શરૂ થઈ હતી. લેસ્ટરની બહારના બ્રિટિશ મુસ્લિમ જૂથો અને પાકિસ્તાની મૂળ ધરાવતા વ્યક્તિઓ પણ સંઘર્ષને વેગ આપી રહ્યા હતા. આ અથડામણોને ભારતમાં મુસ્લિમો સામેની હિંદુ હિંસાના પુરાવા તરીકે બ્રિટનમાં આયાત કરવામાં આવી હતી. પરંતુ આ બધું આપણા રાષ્ટ્રીય રાજકારણને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે તે પહેલાં તેને અટકાવવું પડશે.’












