જાતીય સતામણીના આક્ષેપો સાથે કુશ્તી સંઘના વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામે દેખાવો કરી રહેલા ટોચના કુસ્તીબાજોએ પોતાના મેડલો ગંગા નદીમાં પધરાવી દેવાની જાહેરાત કરી હતી અને તેઓ હરિદ્વાર પણ પહોંચી ગયા હતા. જોકે ખેડૂત નેતા નરેશ ટિકૈતની દરમિયાનગીરીને કારણે કુશ્તીબાજાઓએ તેમની આ યોજના મોકૂફ રાખી હતી અને સરકારને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.
વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ હરિદ્વારમાં હર કી પૌડીની નીકળી ગયા હતા. તેઓએ કેન્દ્રને અલ્ટીમેટમ આપ્યું છે અને જો બ્રિજભૂષણ સિંહ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાંચ દિવસમાં અહીં પરત ફરશે. નરેશ ટિકૈતે મેડલો પોતાની પાસે લીધા હતા. આ મહેતલ પૂરી નહીં થાય ત્યાં સુધી ખેલાડીઓ પોતાના મેડલ્સ ગંગા નદીમાં પધરાવશે નહીં.
અગાઉ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સહિત દેશના ટોચના કુસ્તીબાજો ગંગા નદીમાં તેમના ચંદ્રકોને પધરાવવા માટે હર કી પૌડી પહોંચ્યા હતા. તેનાથી અહીં મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા હતા.
અહીં સાક્ષી, વિનેશ અને તેની પિતરાઈ બહેન સંગીતા રડતી જોવા મળી હતી. તેમના પતિઓએ તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમના સમર્થકોએ તેમની આસપાસ ઘેરાબંધી કરી હતી. હર કી પૌરી પહોંચ્યા પછી કુસ્તીબાજો લગભગ 20 મિનિટ મૌન ઊભા રહ્યા હતાં.
કુસ્તીબાજોએ જણાવ્યું હતું કે તેઓ તેમના મહેનતથી મેળવેલા ચંદ્રકોને નદીમાં પધરાવી દેશે અને ઈન્ડિયા ગેટ પર ભૂખ હડતાળ પર બેસશે. જો કે, દિલ્હી પોલીસે મંગળવારે કહ્યું હતું કે તેમને ઇન્ડિયા ગેટ પર વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં કારણ કે તે રાષ્ટ્રીય સ્મારક છે અને પ્રદર્શન માટેનું સ્થળ નથી.
અગાઉ સાક્ષીએ તેના ટ્વિટર હેન્ડલ પર એક નિવેદનમાં કહ્યું હતું કે કુસ્તીબાજો મેડલને પધરાવવા માટે હરિદ્વાર જશે. આ મેડલ અમારું જીવન અને આત્મા છે. અમે તેમને ગંગામાં પધરાવી દઈશું. તે પછી જીવવાનો કોઈ અર્થ રહેશે નહીં અને અમે ઈન્ડિયા ગેટ પર મૃત્યુ સુધી ભૂખ હડતાળ પર બેસીશું.