ચોકલેટી હીરો શાહિદ કપૂરની નવી ફિલ્મ ‘બ્લડી ડેડી’ ગત સપ્તાહે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં શાહિદ કપૂરનો એક્શન પેક્ડ રોલ છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં લોન્ચ થયું હતું. તેમાં શાહિદનો લોહીલુહાણ ચહેરો જોઈને આ ફિલ્મ મારધાડથી ભરપૂર હોવાનું માનવામાં આવે છે. આ ફિલ્મ માટે શાહિદે રૂ. 40 કરોડની ફી લીધી હોવાનું કહેવાય છે. શાહિદે પોતે ફીનો આંકડો જણાવ્યો નથી, પરંતુ આટલી મોટી રકમ ન લીધી હોવાનો પણ ઇન્કાર કર્યો નથી.
શાહિદ કપૂરની વેબ સિરીઝ ‘ફર્ઝી’ના ખૂબ વખાણ થયા હતા અને તેના કારણે શાહિદની ડીમાન્ડ પણ વધી છે. આ સિરીઝ પછી શાહિદે પોતાની ફી વધારી દીધી હોવાનું કહેવાય છે. ટ્રેલર લોન્ચમાં શાહિદની સાથે ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર પણ હાજર હતા. શાહિદ કપૂરને આ પ્રસંગે ફી અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, તમે મને આટલી ફી આપશો તો હું તમારી ફિલ્મ પણ કરીશ. ત્યારબાદ ઝફરે મજાકમાં કહ્યું હતું કે, તમે આંકડો ઓછો બોલ્યા છે. ઓટીટી પ્લેટફોર્મ પર ડીલ માટે ફિલ્મનું બજેટ વધારવામાં આવ્યું હોવાના પ્રશ્નનો પણ શાહિદે અસ્પષ્ટ જવાબ આપ્યો હતો.