ધ ટાઈમ્સ માટેના યુગોવના સર્વેમાં લગભગ 33 ટકા લોકોએ અર્થતંત્ર ચલાવવા માટે લેબર નેતા સર કેર સ્ટાર્મર પર વિશ્વાસ કરવાનું પસંદ કર્યું હતું. જેની સરખામણીમાં 20 ટકા વ્યક્તિએ ઋષિ સુનકને પસંદ કર્યા હતા. કન્ઝર્વેટીવ પાર્ટીનું સમર્થન ચાર મહિનામાં તેના સૌથી નીચા સ્તરે આવી ગયું છે.
મતદારો વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની સરકારને ફુગાવા અને વ્યાજ દરમાં વધારો કરવા બદલ દંડ કરતા દેખાઇ રહ્યા છે. ટોરી સપોર્ટ ઘટીને 22 ટકા થયો છે. માત્ર 15 ટકા લોકો માને છે કે સરકાર અર્થવ્યવસ્થાને સારી રીતે સંભાળી રહી છે. આ સપ્તાહના મતદાનમાં લેબરને 47 ટકા લોકોનું સમર્થન મળી રહ્યું છે. લિબરલ ડેમોક્રેટ્સને 11 ટકા પર અને ગ્રીન્સને 8 ટકા લોકોનું સમર્થન મળે છે. 31 લોકો અર્થતંત્રને ચલાવવા માટે સર કેર સ્ટાર્મરની આગેવાની હેઠળની લેબર સરકાર પર વિશ્વાસ કરશે. 37 ટકા લોકો કોઈપણ પક્ષને પસંદ કરવા તૈયાર ન હતા.
ટોરીઝને આવતા મહિને આવનારી ત્રણ મુશ્કેલ પેટાચૂંટણીઓ ગુમાવવાનો ડર છે. લેબર અક્સબ્રિજ અને સાઉથ રાઈસ્લિપની સીટ જીતવાની આશા છે, જ્યારે લિબ ડેમ્સ સોમર્ટન એન્ડ ફ્રોમને જીતવાની આશા રાખે છે. ગુરુવારે કન્ઝર્વેટિવ સાંસદ સ્ટીવ બ્રાઈને આગામી ચૂંટણીમાં ઊભા નહિં રહેવાની જાહેરાત કરી હતી.
બીજી તરફ બ્રેક્ઝીટ લિવ મત આપનાર મતદારોએ 2019ની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવને મત આપ્યો હતો, પરંતુ હવે માત્ર 24 ટકા જ કન્ઝર્વેટિવ પક્ષને ટેકો આપે છે. ટોરીને છોડનાર 19 ટકાએ કહ્યું હતું કે તેઓ રિફોર્મ યુકેને ટેકો આપશે અને 22 ટકા લેબરનું સમર્થન કરશે.
ચેન્જિંગ યુરોપમાં યુકેના ડિરેક્ટર આનંદ મેનને જણાવ્યું હતું કે જે રીતે બ્રેક્ઝિટનું સંચાલન કરાયું તેની નિરાશાથી રાજકારણીઓમાં અવિશ્વાસ વધવાની શક્યતા છે. ઘણા લીવ મતદારો માને છે કે બ્રેક્ઝિટ સફળ રહી નથી કારણ કે રાજકારણીઓએ તેમને નિરાશ કર્યા છે. ખતરો એ છે કે આનાથી રાજકારણ અને રાજકારણીઓમાં વિશ્વાસનું ધોવાણ થશે.”
પબ્લિક ફર્સ્ટના પાર્ટનર જેમ્સ ફ્રેને જણાવ્યું હતું કે ‘’ઋષિ સુનકે એ દર્શાવવાની જરૂર છે કે તેઓ હજુ પણ આગામી સામાન્ય ચૂંટણી પહેલા બ્રેક્ઝિટને સફળ બનાવી શકે છે. આગામી ચૂંટણી અર્થતંત્ર અને આરોગ્ય જેવા મુખ્ય પ્રવાહના મુદ્દાઓ પર આધારીત રહેશે.”